આજે આદિત્ય L1ની ભ્રમણકક્ષા વધારશે, જાણો અત્યારે પૃથ્વીથી તેનું મહત્તમ અંતર કેટલું?
- ISROનું આદિત્ય L1 પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું
- આદિત્ય L1 16 દિવસ ચક્કર લગાવશે
- પછી 110 દિવસમાં 15 લાખ કિ.મી.દૂર L1 પોઈન્ટ પર પહોંચશે
10 દિવસ પહેલા એટલે કે 23 ઓગસ્ટે ભારતે સ્પેસ ટેક્નોલોજીમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી. જ્યારે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો. હવે ઇસરોએ સૂર્ય મિશન આદિત્ય L1ની સફળ શરૂઆત કરી છે.ઈસરોના PSLV રોકેટનું દ્વારા આદિત્ય L1નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં તેને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. બીજો તબક્કો પૃથ્વીની આસપાસ આદિત્ય એલ-1ની ભ્રમણકક્ષાને સતત વધારશે અને ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર લઈ જશે. ત્રીજો તબક્કો સૂર્યયાનને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવાનો હશે. આ પછી, ઉપગ્રહ છેલ્લા તબક્કામાં એટલે કે Lagrange Point 1 પર સ્થાપિત થશે. ત્યારે ISRO આજે આદિત્ય L1ની ભ્રમણકક્ષા વધારશે.
આજે આદિત્ય L1ની ભ્રમણકક્ષા વધારશે
પ્રાપ્ત વિગતો અનુસાર,પૃથ્વીની લંબગોળ કક્ષામાં પહોંચ્યા પછી આદિત્ય L1 સ્પેસક્રાફ્ટની આજે એટલે રવિવારે 3 સપ્ટેમ્બરના રોજ ઓર્બિટ વધારવામાં આવશે. ઇસરોના વૈજ્ઞાનિક ઓર્બિટ વધારવા માટે સ્પેસક્રાફ્ટનું એન્જિન થોડીવાર માટે ફાયર કરશે. હાલ આદિત્ય 235 x 19500 Kmની કક્ષામાં છે.આદિત્ય સ્પેસક્રાફ્ટને 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 વાગ્યે PSLV-C57નાં XL વર્ઝન રોકેટ દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના 63 મિનિટ 19 સેકેન્ડ પછી સ્પેસક્રાફ્ટને પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યું હતું.લગભગ 4 મહિના પછી તે 15 લાખ Km દૂર લેગરેન્જ પોઈન્ટ-1 સુધી પહોંચશે. આ પોઇન્ટ પર ગ્રહણનો પ્રભાવ પડતો નથી, જેના કારણે અહીંથી સૂર્યનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે.
સૂર્યનો અભ્યાસ શા માટે મહત્ત્વપૂર્ણ છે?
સૂર્ય એ સૌરમંડળનું કેન્દ્ર છે, જેમાં આપણી પૃથ્વી અસ્તિત્વ ધરાવે છે. તમામ આઠ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યના કારણે જ પૃથ્વી પર જીવન છે. સૂર્યમાંથી ઊર્જા સતત વહે છે, જેને આપણે ચાર્જ્ડ પાર્ટિકલ્સ કહીએ છીએ. સૂર્યના અભ્યાસ પરથી એ સમજી શકાય છે કે સૂર્યમાં થતા ફેરફાર અંતરિક્ષને અને પૃથ્વી પર જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.
આદિત્ય L1 ભારતમાં જ બનાવાયું
ઈસરોના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આદિત્ય L1 એ દેશની સંસ્થાઓની ભાગીદારી સાથેનો સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે. એનું પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુ ખાતે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જ્યારે ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણેએ મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજર પેલોડ બનાવ્યું છે.
આ પણ વાંચો : આદિત્ય L1ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ, ISROના વૈજ્ઞાનિકોની ટીમ મિશન મોડલ સાથે શ્રી વેંકટેશ્વર મંદિરે પહોંચી