2024માં ISRO લોન્ચ કરશે આ 10 મિશન, જાણો સંપૂર્ણ વિગત
- ત્રણ મોટા રૉકેટ દ્વારા કુલ 10 મિશન લોન્ચ કરવામાં આવશે
- ગગનયાન કાર્યક્રમ હેઠળ બે માનવરહિત મિશન શરૂ કરવાની યોજના
- NSIL કોમર્શિયલ કોન્ટ્રાક્ટ હેઠળ 20 ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કરશે
નવી દિલ્હી, 08 ડિસેમ્બર: ભારત આવતા વર્ષે અવકાશમાં 10 મિશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ 2024માં મિશન પૂર્ણ કરવા માટે પોતાનું રોકેટ પણ તૈયાર કરી લીધું છે. સરકારે રાજ્યસભાને જણાવ્યું હતું કે, ISRO આવતા વર્ષે 3 મોટા રોકેટ લોન્ચ કરશે, જેમાં પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) થી 6 મિશન, જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હીકલ (GSLV) થી 3 અને લોન્ચ વ્હીકલ માર્ક-3 (LVM-3) થી 1 મિશન લોન્ચ કરવામાં આવશે.
પીએમઓમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) તેના નવીનતમ પ્રક્ષેપણ વાહન SSLVની ત્રીજી ડેવલપમેન્ટ ફ્લાઇટ પર ટેક્નોલોજી સેટેલાઇટ પણ લોન્ચ કરશે. તેમણે કહ્યું કે ગગનયાન કાર્યક્રમ હેઠળ બે માનવરહિત મિશન શરૂ કરવાની પણ યોજના છે. આ ઉપરાંત વિવિધ પરિસ્થિતિઓમાં ગગનયાન ક્રૂ એસ્કેપ સિસ્ટમ માટે એક પરીક્ષણ વાહનનો ઉપયોગ કરનારા કેટલાક સબ-ઓર્બિટલ મિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઈસરોની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) કોમર્શિયલ કોન્ટ્રાક્ટ હેઠળ 20 ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કરશે. આ GSAT ઉપગ્રહો સંચાર માટે લોન્ચ કરવામાં આવશે. પીએસએલવીના 6 મિશનમાં સ્પેસ સાયન્સ સેટેલાઇટ અને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને 2 કોમર્શિયલ મિશન અને NSILના 2 ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન મિશનનો સમાવેશ થાય છે. GSLV રોકેટ દ્વારા નેવિગેશન ઉપગ્રહો અને NASA-ISRO સિન્થેટિક અપર્ચર રડાર સેટેલાઇટ (NISAR) મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ મોંઘવારી પર નિયંત્રણ રાખવા સરકારે લીધા 4 મોટા નિર્ણયો