આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈસરોએ ચંદ્ર, સૂર્ય પછી હવે શુક્રના ગ્રહ તરફ જવા તૈયારી શરૂ કરી

Text To Speech

નવી દિલ્હીઃ  ચંદ્રયાન-3 તથા સૂર્ય મિશન માટેના આદિત્ય એલ-1ની સફળતા પછી ઈસરો હવે શુક્રના ગ્રહ વિશે સંશોધન કરવા સજ્જ થઈ ગઈ છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના વર્તમાન અધ્યક્ષ એસ. સોમનાથે આ અંગે સંકેત આપતા કહ્યું કે, હવે શુક્ર મિશન માટે અમારી તૈયારી ચાલુ છે અને એ માટેના પેલોડ પણ તૈયાર થઈ ગયા છે.

નવી દિલ્હીમાં ઈન્ડિયન નેશનલ સાયન્સ અકાદમીને સંબોધતા ઈસરોના અધ્યક્ષ સોમનાથે કહ્યું હતું કે, શુક્ર ગ્રહના મિશનની તૈયારીઓ થઈ ચૂકી છે. શુક્ર અત્યંત રસપ્રદ ગ્રહ છે. શુક્ર ઉપર એક અલગ વાતાવરણ છે અને તે અત્યંત ઘટ્ટ છે. શુક્ર ગ્રહની તપાસ કરવાથી પૃથ્વીના વાતાવરણને લગતા ઘણા પ્રશ્નોના જવાબ મળશે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, શુક્ર ઉપર વાતાવરણનું દબાણ પૃથ્વી કરતાં 100 ગણું વધારે છે અને ત્યાં અઢળક માત્રામાં એસિડ રહેલા છે. શુક્રની સપાટીને ભેદી શકાય એવી હાલ સ્થિતિ નથી.

આ સંદર્ભમાં એસ. સોમનાથે કહ્યું કે, શુક્ર પરના હાલના વાતાવરણ પરથી એટલું કહી શકાય કે આપણી પૃથ્વી પણ ભવિષ્યમાં શુક્ર ગ્રહ જેવી થઈ શકે છે. મને જાણ નથી કે આ સ્થિતિ કેટલા સમયમાં થશે, શક્ય છે કે 10,000 વર્ષ પણ પસાર થઈ જાય. તેમણે માહિતી આપી કે, અનેક વર્ષ પહેલાં પૃથ્વી પણ રહેવા લાયક નહોતી.

આ પણ વાંચોઃ અભિજીત મુહૂર્તમાં લોન્ચ થશે આદિત્ય-L1: શું ચંદ્રયાન 3ની જેમ સફળ થશે?

શુક્ર ગ્રહ વિશે સંશોધન કરવાનો પ્રયાસ કરનાર ભારત પહેલો દેશ નહીં હોય. આ અગાઉ યુરોપની અવકાશ સંસ્થા (ઈએસએ) દ્વારા 2006થી 2016 દરમિયાન શુક્ર મિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાપાનની અવકાશ સંસ્થાએ અક્તસુકી વિનસ ક્લાઇમેટ ઓર્બિટર નામે 2016માં મિશન હાથ ધર્યું હતું અને આ મિશન હજુ ચાલુ છે. એ જ રીતે અમેરિકી અવકાશ સંસ્થા નાસા શુક્ર મિશનના પ્રયોગો કરી રહી છે. નાસાએ ગયા વર્ષે એટલે કે 2022માં જાહેર કર્યું હતું કે, તેના મિશને શુક્રની અમુક તસવીરો લીધી છે. નાસા આગામી સમયમાં 2029, 2030 તથા 2031માં શુક્ર મિશન હાથ ધરશે તેવું આયોજન છે.

Back to top button