ISRO કેસઃ આર.બી. શ્રીકુમાર સહિત પાંચ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ CBIની ચાર્જશીટ દાખલ
- 15 એપ્રિલ, 2021ના રોજ આ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી
નવી દિલ્હી, 28 જૂન: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 1994માં અંતરિક્ષ વિજ્ઞાની નંબી નારાયણનને ખોટી રીતે ફસાવી દેવાના કેસમાં બે ભૂતપૂર્વ DGP- ગુજરાતના આર.બી. શ્રીકુમાર તથા કેરળના સી.બી મેથ્યુસ સહિત ત્રણ અન્ય નિવૃત્ત અધિકારીઓની ધરપકડ કરી છે. આ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ISRO જાસૂસી કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલ, 2021ના રોજ આદેશ આપ્યો હતો કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વિજ્ઞાની નંબી નારાયણનને સંડોવતા 1994ના જાસૂસી કેસમાં દોષિત પોલીસ અધિકારીઓની ભૂમિકા પર એક ઉચ્ચ સ્તરીય સમિતિનો અહેવાલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI)ને સુપરત કરવામાં આવે.
સમગ્ર મામલો શું છે?
સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ 2021માં નોંધાયેલા આ કેસમાં, ત્રણ વર્ષ પછી, CBIએ તત્કાલિન ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મેથ્યુસ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, જેમણે 1994માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) જાસૂસી કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ(SIT)નું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત તે સમયે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ડેપ્યુટી ડાયરેક્ટર રહેલા શ્રીકુમાર, SIB-કેરળમાં તૈનાત પી.એસ.જયપ્રકાશ, તત્કાલીન ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ કે.કે. જોશુઆ અને ઈન્સ્પેક્ટર એસ. વિજયન વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
કઈ-કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો?
અધિકારીઓએ જણાવ્યું હતું કે, CBIએ તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 120B (ગુનાહિત કાવતરું), 342 (ખોટી રીતે બંધક બનાવવું), 330 (કબૂલાત મેળવવા માટે સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું), 167 (ખોટા દસ્તાવેજો બનાવવા), 193 (બનાવટી પુરાવા તૈયાર કરવા), 354 (મહિલાઓ પર ગુનાહિત હુમલો) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પાકિસ્તાન સાથે કનેક્શન
કેરળ પોલીસે ઑક્ટોબર 1994માં બે કેસ નોંધ્યા હતા, જ્યારે માલદીવની નાગરિક રશીદાની તિરુવનંતપુરમમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે, તેણીએ પાકિસ્તાનને વેચવા માટે ઈસરોના રોકેટ એન્જિનની ગોપનીય તસવીરો મેળવી હતી. આ કેસમાં ઈસરોમાં ક્રાયોજેનિક પ્રોજેક્ટના તત્કાલીન ડાયરેક્ટર નારાયણનની ઈસરોના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ડી શશીકુમારન સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય રશીદાની મિત્ર ફૌઝિયા હસનની પણ ધરપકડ કરવામાં આવી હતી. CBIની તપાસમાં આ આરોપો ખોટા હોવાનું જણાયું હતું.
આ પણ જુઓ: દિલ્હીમાં વરસાદના કારણે ફ્લાઈટ રદ થતાં અમદાવાદ આવતા 180 મુસાફરો રઝળ્યા