ઈઝરાયેલના ડોક્ટરોએ કર્યો ચમત્કાર, ધડથી અલગ માથાને ફરી જોડ્યુ! જાણો સમગ્ર મામલો
ઈઝરાયલના તબીબોએ માથાથી અલગ થયેલી ગરદનને સફળતાપૂર્વક ફરી જોડીને એક ચમત્કાર કર્યો છે. આ ઘટના ગયા મહિને બની હતી, જે હવે જાહેર કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? વાંચો વિગતવાર સમાચાર…
ડોકટરોને ભગવાનનું બીજું સ્વરૂપ એમ જ નથી કહેવાતુ. ઘણીવાર ડોક્ટરો એવા ચમત્કાર કરી દે છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક કિસ્સો ઈઝરાયેલમાં જોવા મળ્યો છે, જ્યાં ડોક્ટરોએ સફળતાપૂર્વક 12 વર્ષના છોકરાનું માથું તેની ગરદન સાથે ફરીથી જોડી દીધું છે.
શું છે ઘટના?
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ સુલેમાન હસન નામનો 12 વર્ષનો છોકરો અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં બાળકનું માથું તેના ગળાથી અલગ થઈ ગયુ હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બાળક સાયકલ ચલાવતી વખતે કાર સાથે અથડાયો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકની ગંભીર હાલત જોઈને તેને હાદાસાહ મેડિકલ સેન્ટરમાં એરલિફ્ટ કરવામાં આવ્યો, જ્યાં તેને ઈમરજન્સી સર્જરી માટે ખસેડવામાં આવ્યો.
માથું લગભગ ગરદનથી અલગ થઈ ગયું હતું
ડોકટરોના જણાવ્યા અનુસાર, તેનું માથું તેની ગરદનથી લગભગ સંપૂર્ણપણે અલગ થઈ ગયું હતું. ઓર્થોપેડિક સર્જન ડો. ઓહદ ઇનાવ કે જેઓ બાળકની સર્જરી ટીમનો ભાગ હતા, તેમણે ટાઈમ્સ ઓફ ઈઝરાયેલને જણાવ્યું કે આ ખૂબ જ જટિલ સર્જરી હતી. અમને બિલકુલ ખ્યાલ નહોતો કે અમે આમાં સફળ થઈશું કે નહીં. પરંતુ અમે હાર માની નહીં, આ જટિલ સર્જરીમાં ઘણા કલાકો લાગ્યા. પરંતુ પરિણામ જોઈને અમારી આખી ટીમ ઘણી ખુશ છે.
ડૉક્ટરોએ પોતે કહ્યું આ ચમત્કાર છે!
રિપોર્ટ અનુસાર, આ ઘટના ગયા મહિને એટલે કે જૂનમાં બની હતી, પરંતુ ડોક્ટરોએ જુલાઈ સુધી આ ઘટનાને સાર્વજનિક કરી ન હતી. સર્જનો પણ માને છે કે તેની(પેશન્ટ) રિકવરી કોઈ ચમત્કારથી ઓછી ન હતી કારણ કે છોકરાના બચવાની શક્યતા ખુબ જ ઓછી હતી. રિપોર્ટ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા બાળકને હવે સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, હોસ્પિટલે બાળકની રિકવરી પર નજર રાખવાનું ચાલુ રાખ્યુ છે.
આ પણ વાંચો: સરહદ પાર કરી આવેલી સીમા ખુશ, તો બાંગ્લાદેશથી આવેલી યુવતીને મળ્યો દગો