ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટિનિયન નાગરિકોને આપ્યું અલ્ટીમેટમ, રફાહમાં કોઈપણ સમય થઈ શકે છે હુમલો

જેરુસલેમ (ઇઝરાયેલ), 06 મે 2024: ઇઝરાયેલે રફાહ પર હુમલો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટિનિયનોને પૂર્વ રફાહ વિસ્તાર ખાલી કરવા કહ્યું છે. ઇઝરાયેલી સેનાનું આ પગલું સ્પષ્ટ સંકેત આપે છે કે ટૂંક સમયમાં રફાહ પર જમીની હુમલો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, યુદ્ધથી વિસ્થાપિત થયેલા 10 લાખથી વધુ પેલેસ્ટિનિયનોએ અહીં આશ્રય લીધો છે. ઇઝરાયેલની સેનાના એક નિવેદન અનુસાર, લોકોને દરિયાકાંઠે ઇઝરાયેલ દ્વારા જાહેર કરાયેલ માનવતાવાદી ઝોન મુવાસી તરફ જવા માટે કહેવામાં આવ્યું છે. સેનાએ કહ્યું કે તેમણે માનવતાવાદી વિસ્તારમાં હોસ્પિટલ, તંબુ, ખોરાક અને પાણી સહિતની સહાયની વ્યવસ્થા કરી છે.
યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયેલનો રફાહ પર હુમલાનો પ્લાન
ઇઝરાયેલનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે યુદ્ધવિરામની વાતચીત સંકટ તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ડર વધી ગયો છે કે ઇઝરાયેલ ટૂંક સમયમાં રફાહ પર જમીની હુમલો કરશે. ઇઝરાયલે હમાસના બાકી રહેલા આતંકવાદીઓને ખતમ કરવાની કમર કસી છે. એવું પણ લાગે છે કે ઇઝરાયેલ તેની યોજનાઓ પૂર્ણ કર્યા વિના અટકવાનું નથી. રવિવારે ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે દાવો કર્યો હતો કે હમાસ કોઈપણ સમજૂતીને લઈને ગંભીર નથી. તેમણે નજીકના ભવિષ્યમાં રફાહમાં શક્તિશાળી સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી હતી. હમાસ દ્વારા રવિવારે ઇઝરાયેલના મુખ્ય ક્રોસિંગ પોઇન્ટ પર હુમલો કરવામાં આવ્યા બાદ તેમની ટિપ્પણીઓ આવી હતી, જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.
રફાહ ખાલી કરવા લોકોને કૉલ્સ આવ્યા
રફાહના ઘણા રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓને તેમના ઘરો ખાલી કરવા માટે સેના તરફથી ટેલિફોન કૉલ્સ આવ્યા હતા. તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે રફાહ પર રાતોરાત હવાઈ હુમલામાં ઇઝરાયલી વિમાનોએ 10 ઘરોને નિશાન બનાવ્યા, જેમાં 20 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. મહત્ત્વનું છે કે, હમાસે ગયા વર્ષે 7 ઑક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ઇઝરાયલી દળોએ આતંકવાદી જૂથને ખતમ કરવા માટે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 75 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને તે અટકવાના કોઈ સંકેત નથી.
આ પણ વાંચો: ઈઝરાયેલના નેત્યનાહુ સામે ધરપકડ વોરન્ટ જાહેર કરાતા ICCને અમેરિકાએ આપી ચેેતવણી