આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

ઈઝરાયેલઃ એક ટચૂકડા દેશની ટચૂકડી સેનાની વિરાટ તાકાતનું રહસ્ય શું છે?

  • આશરે એક કરોડની વસ્તી ધરાવતા દેશમાં સક્રિય સૈનિકોની સંખ્યા માત્ર 1,78,000 છે, પણ…

જેરુસલેમ, 30 સપ્ટેમ્બર, 2024: સાત ઑક્ટોબર, 2023નો એ દિવસ હતો જ્યારે પેલેસ્ટિનની (ગાઝા પટ્ટી) અંદર સંતાયેલા હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં પ્રવેશીને તદ્દન નિર્દોષ નાગરિકોની હત્યા કરી એટલું જ નહીં પરંતુ બાળકો અને મહિલાઓ સહિત અનેક ઈઝરાયેલી નાગરિકોનું અપહરણ કરીને પેલેસ્ટિનમાં (ગાઝા પટ્ટી) લઈ ગયા. એ ઘટનાને સાત દિવસ પછી એક વર્ષ પૂરું થશે. હમાસના આતંકીઓએ ઈઝરાયેલીઓને આપેલું એ એક દિવસનું પરિણામ આજે 358 દિવસથી ગાઝા પટ્ટીથી લઈને લેબેનોન સુધીના લોકો ભોગવી રહ્યા છે.

હમાસના આતંકી હુમલા પછી એક દિવસ અમુક ઇસ્લામિક દેશો તેમજ કેટલાક અન્ય દેશોની ટીકાનો જવાબ આપતા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, આ વખતે અમે મધ્યપૂર્વની સ્થિતિ કાયમ માટે બદલી નાખીશું. (We will change the Middle East forever).

નેતન્યાહુના આવા આત્મવિશ્વાસનું કારણ શું છે? કારણ છે ઈઝરાયેલી સૈન્ય. ઈઝરાયેલની સ્થાપના પછી પાંચ દાયકામાં માંડ 1,78,000નું સંખ્યાબળ ધરાવતું સૈન્ય આમ તો વૈશ્વિક સ્થિતિ પ્રમાણે કશું જ ન કહેવાય, પરંતુ આજની હકીકત એ છે કે ઈઝરાયેલી સૈન્ય દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્યોની હરોળમાં બિરાજે છે.

આવું શા કારણે?

આ વાતનાં મૂળિયાં ઇતિહાસમાં છે. આ યહૂદી પ્રજાએ અસાધારણ સંઘર્ષ કરીને પોતાના દેશ માટે નાનકડી જમીન મેળવી છે. પણ એણે ત્યાં ટકી રહેવા માટે સતત ઈનોવેશન કરતા રહેવું પડે કેમ કે તે દુશ્મન દેશોથી ઘેરાયેલો છે. અને એટલે જ ઓછી સંખ્યા છતાં ટેકનોલોજીની મદદથી ઈઝરાયેલી સૈન્ય ભલભલા દુશ્મનો સાથે બાથ ભીડી શકે છે અને જીતી શકે છે.

ઈઝરાયેલ નકશો - HDNews

એવું શું છે ઈઝરાયેલી સૈન્ય પાસે?

ઈઝરાયેલી સૈન્યે પોતાને સક્ષમ બનાવવા માટે એવી કેટલીક સચોટ અને અસકારક ટેકનોલોજી વિકસાવી છે જેને કારણે તેને પોતાને તો ઓછામાં ઓછું નુકસાન થાય છે, સાથે જ સાવ જૂજ કિસ્સામાં ઈઝરાયેલના નાગરિકોને દુશ્મનો તરફથી નુકસાન થવા દે છે.

છેલ્લા એક વર્ષમાં “આયરન ડોમ” વિશે અનેક વખત સાંભળવા મળ્યું છે. ઈઝરાયેલની સ્થાપના 1948માં થઈ. જોકે ત્યારે પણ ઇસ્લામિક દેશો તેનો વિરોધ કરતા હતા. થોડા સમયમાં જ આમાંથી કેટલાક દેશોએ ઈઝરાયેલ તરફ મિસાઈલ હુમલા શરૂ કરી દીધા જેથી ઈઝરાયેલી નાગરિકો ડરીને ભાગવા લાગે અને ધીમેધીમે યહૂદીઓ ત્યાંથી ખાલી થઈ જાય. પરંતુ ઈઝરાયેલી સૈન્યે આનો રસ્તો શોધી કાઢ્યો. તેમણે આયરન ડોમ નામે એવી ટેકનોલોજી વિકસાવી જેનાથી દુશ્મન દેશ તરફથી આવતા મિસાઈલો વિશે ઘણી વહેલી જાણકારી મળી જાય અને તેને હવામાં જ નષ્ટ કરી શકાય. ઈઝરાયેલે 2011માં આયરન ડોમ વિકસાવી લીધું અને ત્યારથી એ ગાઝામાં સંતાયેલા આતંકીઓ તરફથી છોડવામાં આવતા મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દે છે. દુશ્મન દેશ તરફથી મિસાઈલ છૂટે ત્યારે આયરન ડોમ તેને ડિટેક્ટ કરે છે, તેની દિશા અને ગતિને બરાબર ટ્રેક કરી લે છે અને પછી તરત જ તેમાંથી મિસાઈલ છૂટે છે જે દુશ્મનની મિસાઈલને હવામાં જ તોડી પાડે.

ઈઝરાયેલી સૈન્ય પાસે આ ઉપરાંત ટ્રોફી સિસ્ટમ છે જેની મદદથી પોતાની સૈન્ય ટેંકો તેમજ અન્ય યુદ્ધ વાહનોનું સટીક રક્ષણ કરે છે. ઈઝરાયેલી સૈન્યનું F-16(આઈ) નામે અત્યંત આધુનિક યુદ્ધ વિમાન છે. અમેરિકાના એફ-16 વિમાન કરતાં પણ ઈઝરાયેલનું એફ-16(આઈ) એટલું બધું આધુનિક છે કે તેની ક્ષમતા અને શક્તિનો આજ સુધી કોઈ મુકાબલો કરી શક્યું નથી.

ઈઝરાયેલ પાસે જે બે આધુનિક વિશિષ્ટ સાધનો છે તે એની વિચાર ક્ષમતા અને ટેકનોલોજી વિકસાવવાની આવડતનું સર્વોચ્ચ પ્રમાણ છે. એક છે જેફા શિરોન અને બીજી આઈબૉલ સિસ્ટમ.

જેફા શિરોન એક અંદાજે 400 ફૂટ લાંભી ચેઇન છે. આ ચેઇનનો ઉપયોગ દુશ્મન દેશમાં ઈઝરાયેલી ટેન્કો તથા અન્ય સૈન્યના પ્રવેશ માટે માર્ગ કરવા માટે કરવામાં આવે છે. આ ચેઇનને હવામાં ઊંચે લઈ જવામાં આવે છે અને દુશ્મન દેશની ધરતી ઉપર ફેંકવામાં આવે છે. ચેઇન જમીન ઉપર પટકાતાં જ આશરે 400 ફૂટ લાંબા વિસ્તારમાં રહેલી સૂરંગોનો નાશ થઈ જાય છે અને સાથે જ 19થી 26 ફૂટ પહોળો રસ્તો તૈયાર થઈ જાય છે જેના પરથી ઈઝરાયેલી સૈન્ય અને ટેન્કો પસાર થઈ શકે.

એ જ રીતે આઈબૉલ સિસ્ટમ પણ ભારે અસરકારક ટેકનોલોજી છે. એક નાનકડા કાળા બૉલ જેવું આ સાધન વાસ્તવમાં માઈક્રોફોન સિસ્ટમ સાથેનો હાઈટેક કેમેરા છે. કોઈ અજાણ્યા વિસ્તારમાં, અજાણ્યા મકાનમાં ઈઝરાયેલી સૈન્યે પ્રવેશવું હોય તો પહેલાં આ આઈબૉલ અંદર નાખવામાં આવે છે. બૉલ મકાનમાં પહોંચ્યા પછી થોડી સેકન્ડમાં જ સ્થિર થઈ જાય છે અને તેમાં રહેલા કેમેરા એક્ટિવ થઈને 360 ડીગ્રી એન્ગલનું લાઈવ પ્રસારણ કરવા લાગે છે. સાથે જ એ મકાનમાં કોઈ વાતચીત થતી હોય તો તે પણ દૂર રહેલું ઈઝરાયેલી સૈન્ય સ્પષ્ટ રીતે સાંભળી શકે છે.

ઈઝરાયેલી સૈન્ય પાસે આ ઉપરાંત વિવિધ પ્રકારના આધુનિક ડ્રોન પણ છે જેનો ઉપયોગ દુશ્મનો ઉપર નજર રાખવા ઉપરાંત અમુક પ્રકારની સૈન્ય કાર્યવાહી અને નાની મિસાઈલો છોડવા માટે પણ થાય છે.

આ બધી તો ઈઝરાયેલી સૈન્યની જાહેર થયેલી ટેકનોલોજીકલ ક્ષમતાઓ છે, પરંતુ હકીકતે તેમનાં ભાથાંમાં બીજા કેવાં કેવાં શસ્ત્રો અને ટેકનોલોજી હશે એ કોઈ જાણતું નથી. દેશ તરીકે પોતાને અને યહૂદી પ્રજાને સુરક્ષિત રાખવા ઈઝરાયેલી સૈન્યે કેટલી તૈયારી કરેલી હશે એ તે લેબેનોનમાં ગયા અઠવાડિયે પેજર બ્લાટનાં ઉદાહરણથી પણ સમજી શકાય તેમ છે.

આ પણ વાંચોઃ કમલા હેરિસ ઉપર ઇલોન‌ મસ્કનો જોરદાર પ્રહાર: અમેરિકામાં ચૂંટણી યુગ પૂરો થઈ જશે

Back to top button