આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝવર્લ્ડ

ઇઝરાયલે રાતોરાત હમાસના 200 સ્થળો પર હુમલો કર્યો, અત્યાર સુધી 2100નાં મૃત્યુ

  • ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં 14 અમેરિકન માર્યા ગયા
  • અમેરિકના વિદેશમંત્રી આજે ઇઝરાયેલ રવાના થશે
  • યુદ્ધના કારણે ચારેબાજુ તારાજીના દ્રશ્યો સામે આવ્યા

ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ઈઝરાયેલે ગાઝામાં હમાસની 200 જગ્યાઓ પર રાતોરાત હુમલો કર્યો. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 2100 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી લગભગ 1200 ઈઝરાયેલી છે. જ્યારે લગભગ 900 પેલેસ્ટિનિયનોએ પણ જીવ ગુમાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જો બાઇડને ગઇકાલે રાત્રે પુષ્ટિ કરી હતી કે હમાસ દ્વારા થયેલા હુમલામાં 14 અમેરિકન નાગરિકો માર્યા ગયા હતા. મંગળવારે મોડી રાતે વ્હાઇટ હાઉસમાંથી પોતાના સંબોધનમાં કહ્યું કે, અમેરિકા ઇઝરાયેલની સાથે છે.

ઇઝરાયેલમાં નરસંહાર થયો છે: બાઇડન

અમેરિકન પ્રમુખ બાઇડને વધુમાં જણાવ્યું કે, ઇઝરાયેલમાં એક હજાર લોકોની અમાનવીય રીતે હત્યા કરવામાં આવી છે. ઇઝરાયેલમાં નરસંહાર થયો છે. હમાસના હુમલાનો જવાબ આપવો જોઈએ. આ સાથે તેમણે ઇઝરાયેલને અપાતી સહાય બમણી કરવાની પણ જાહેરાત કરી હતી.

બાઇડને કહ્યું કે, આ આતંકવાદ છે, પરંતુ દુ:ખની વાત એ છે કે યહૂદી લોકો માટે આ કંઈ નવું નથી. યુએસ સ્ટેટ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે, સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન ઇઝરાયેલ સાથે એકતા દર્શાવવા માટે આજે ઇઝરાયેલ જવા રવાના થશે. તેઓ ગુરુવારે ઇઝરાયેલ પહોંચે તેવી શક્યતા છે.

મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના પડોશમાં હમાસના હુમલા બાદ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના નિર્દયતાથી હત્યા કરાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. ગાઝામાં હમાસ દ્વારા આશરે 150 ઇઝરાયેલીઓને બંદી બનાવી લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે, અને આતંકવાદી જૂથે અગાઉ ધમકી આપી હતી કે જો ગાઝા પટ્ટીમાં નાગરિકના ઘરોને નિશાન બનાવાશે તો બંધકોને મારી નાખવામાં આવશે.

ઇઝરાયેલે ગાઝામાં જવાબી હુમલો કર્યો

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે તેના ડઝનેક ફાઇટર જેટ્સે ગાઝા સિટીના પડોશમાં રાતોરાત 200થી વધુ સ્થળો પર હુમલો કર્યો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભીડવાળા દરિયાકાંઠાના એન્ક્લેવમાં ઓછામાં ઓછા 900 લોકો માર્યા ગયા છે અને 4,600 ઘાયલ થયા છે. ઇઝરાયેલના જાહેર પ્રસારણકર્તા કાને અહેવાલ આપ્યો છે કે મૃત્યુઆંક 1,200 પર પહોંચી ગયો છે. બીજી તરફ, પેલેસ્ટિનિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારથી ઇઝરાયેલના હુમલામાં 22,600થી વધુ રહેણાંક એકમો અને 10 આરોગ્ય સ્થળોને નષ્ટ કરી દેવાયા છે અને 48 શાળાઓને નુકસાન થયું છે.

આ પણ વાંચો: ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ યુદ્ધ વચ્ચે પીએમ મોદીને ફોન કર્યો

Back to top button