ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલનો ઈરાન પર જવાબી હુમલો: પરમાણુ સાઇટવાળા શહેરો પર છોડી મિસાઈલ

  • ઈસ્ફહાન એરપોર્ટની આસપાસનો વિસ્તાર વિસ્ફોટોથી હચમચી ગયો

નવી દિલ્હી, 19 એપ્રિલ: ઈરાને 14 એપ્રિલ અને રવિવારે ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ હવે ઈઝરાયેલે કડક પગલું ભર્યું છે. ઈઝરાયેલ દ્વારા ઈરાન પર જવાબી કાર્યવાહી કરીને મોટો હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો અમેરિકન મીડિયાએ કર્યો છે. ઈરાનના ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં સહયોગી દેશોની સંયમ રાખવાની અપીલને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, “ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે તેમનો દેશ નક્કી કરશે.” હવે ઈરાન પર હુમલો કરીને ઈઝરાયલે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે કે, તે ચૂપ નહીં રહે. નેતન્યાહુએ કહ્યું હતું કે, “હું સ્પષ્ટ કરવા માંગુ છું, અમે અમારા નિર્ણયો જાતે લઈશું. ઇઝરાયેલ પોતાના બચાવ માટે જે પણ જરૂરી હશે તે કરશે.”

 

ન્યુક્લિયર પ્લાન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા!

મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે, ઈઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલ તરફથી હુમલાના અહેવાલ બહાર આવ્યા બાદ ઈરાને પશ્ચિમી ભાગમાં અવરજવર માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાની મીડિયાએ જણાવ્યું છે કે, વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનની ‘ફાર્સ ન્યૂઝ એજન્સી’ અનુસાર, ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે વિસ્ફોટોના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ઈરાનનો નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ ઈસ્ફહાનમાં આવેલો છે.

 

ઈરાન આ હુમલાનો આપશે વળતો જવાબ 

ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ચેતવણી આપી હતી કે, જો ઈઝરાયેલ વળતો હુમલો કરશે તો ઈરાન જડબાતોડ જવાબ આપશે. હવે ઈઝરાયેલે હુમલો કર્યો છે.

મિસાઇલ સંરક્ષણ પ્રણાલી સક્રિય

ઈઝરાયેલના હુમલાના મીડિયા અહેવાલો બહાર આવ્યા બાદ તેહરાને મિસાઈલ સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરી દીધી છે. 14 એપ્રિલના હુમલા બાદ ઈઝરાયેલે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી છે. બંને દેશો વચ્ચે 1 એપ્રિલથી તણાવ શરૂ થયો હતો. ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો હતો. આ પછી 14 એપ્રિલે ઈરાને ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી હતી.

આ પણ જુઓ: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ: 102 બેઠકો માટે 1,625 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી

Back to top button