હમાસના લશ્કરી વડાને નિશાન બનાવીને ઈઝરાયેલે ગાઝા પર કર્યો સૌથી મોટો હવાઈ હુમલો, 71 લોકોના મોત
જેરુસલેમ, 13 જુલાઇ : હમાસના સૈન્ય વડાને નિશાન બનાવીને ઈઝરાયેલની સેનાએ ગાઝા પર સૌથી ઘાતક હવાઈ હુમલો કર્યો છે. ગાઝાના એક સુરક્ષા અધિકારી અને ઇઝરાયેલી લશ્કરી રેડિયોએ જણાવ્યું હતું કે, શનિવારે ગાઝામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઇફને ઇઝરાયેલી હવાઈ હુમલાએ નિશાન બનાવ્યું હતું. ગાઝા એન્ક્લેવના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 71 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. સુરક્ષા અધિકારીએ કહ્યું કે તે સ્પષ્ટ નથી કે ડેઇફની હત્યા કરવામાં આવી છે કે નહીં.
આર્મી રેડિયોએ જણાવ્યું હતું કે હમાસનો આતંકવાદી ડેઇફ ખાન યુનિસના દક્ષિણ શહેરની પશ્ચિમમાં અલ-મવાસીના ઇઝરાયેલ દ્વારા નિયુક્ત માનવતાવાદી ઝોનમાં એક ઇમારતમાં છુપાયેલો હતો. ડેઇફ 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક હતો, જેણે ગાઝામાં યુદ્ધ શરૂ કર્યું હતું. અગાઉ તેને મારવાના ઈરાદા સાથે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા અન્ય સાત હુમલાઓમાં બચી ગયો હતો. સૌથી તાજેતરનો હુમલો 2021 માં થયો હતો અને તે દાયકાઓથી ઇઝરાયેલની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ટોચ પર છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 71 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 289 ઘાયલ થયા હતા.
હમાસ આતંકવાદી માર્યા ગયાની પુષ્ટિ નથી થઈ
આ ભયાનક હુમલામાં હમાસના આતંકવાદી ડેઇફના મોત અંગે હજુ સુધી કોઈ દાવો કરવામાં આવ્યો નથી. ગાઝા ઑફિસે જણાવ્યું હતું કે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ “ગાઝામાં વિકાસ”ના સંદર્ભમાં વિશેષ પરામર્શ કરી રહ્યા હતા. દોહા અને કૈરોમાં ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો પર હુમલાની શું અસર થશે તે સ્પષ્ટ નથી. હમાસ સંચાલિત મીડિયા ઓફિસે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા, જેમાં નાગરિક કટોકટી સેવાના સભ્યોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તે અહેવાલની તપાસ કરી રહી છે.
હમાસે અમેરિકા પર સાધ્યું નિશાન
ઈઝરાયેલના આ ભયાનક હુમલાથી હમાસ સ્તબ્ધ થઈ ગયું છે. હમાસના વરિષ્ઠ અધિકારી અબુ ઝુહરીએ રોઇટર્સને જણાવ્યું હતું કે, “માર્યા ગયેલા તમામ નાગરિકો છે અને જે બન્યું તે અમેરિકન સમર્થન અને વિશ્વના મૌનને કારણે થયું. તેથી જ ગાઝામાં નરસંહારમાં ગંભીર વધારો થયો છે.” તેમણે કહ્યું કે આ હુમલો દર્શાવે છે કે ઈઝરાયેલને યુદ્ધવિરામ કરાર સુધી પહોંચવામાં કોઈ રસ નથી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હુમલો ‘ચોંકાવનારો’ છે. ફૂટેજમાં એમ્બ્યુલન્સ ધુમાડા અને ધૂળના વાદળો વચ્ચે વિસ્તારમાં દોડી રહી છે. મહિલાઓ અને બાળકો સહિત વિસ્થાપિત લોકો ગભરાઈને ભાગી રહ્યા હતા, કેટલાક હાથમાં સામાન લઈને દોડી રહ્યા હતા.
ઈઝરાયેલે 7 વખત હત્યાનો પ્રયાસ કર્યો હતો
રોઇટર્સના અહેવાલ મુજબ, ડેઈફ ટનલ અને બોમ્બનું નેટવર્ક બનાવવામાં વિશેષતા ધરાવે છે. હમાસમાં પોતાનું કદ વધારતા, તેણે આત્મઘાતી બોમ્બ ધડાકાની ટુકડીનું આયોજન કર્યું, જે ડઝનેક ઇઝરાયેલીઓના મૃત્યુ માટે વ્યક્તિગત રીતે જવાબદાર બન્યું. 2002 માં, તેને હમાસની લશ્કરી પાંખ અલ કાસમ બ્રિગેડના વડા બનાવવામાં આવ્યા હતા. ડેઇફ એટલો બદમાશ અને સાતીર છે કે ઇઝરાયલે 7 વખત તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે દરેક વખતે બચી ગયો. છેલ્લો 2021માં તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હમાસના સૂત્રોને ટાંકીને, રોઇટર્સે અહેવાલ આપ્યો કે તેણે ઇઝરાયેલી હત્યાના પ્રયાસમાં એક આંખ ગુમાવી દીધી હતી. આ સિવાય એક હાથ અને પગમાં પણ ગંભીર ઈજા છે. તેની પત્ની, 7 મહિનાનો પુત્ર અને 3 વર્ષની પુત્રી 2013માં ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.
ગાઝાનો શેડો મેન
ડેઈફના માત્ર ત્રણ ફોટો સામે આવ્યા છે. તેમાંથી એક તેના 20 ના દાયકાની, બીજી માસ્ક સાથે ત્રીજી તેની છાયા ઇમેજ છે. જેનો ઉપયોગ જ્યારે તેણે ઓડિયો ટેપ પ્રસારિત કરી ત્યારે કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈઝરાયેલની ચેનલ 12એ ડેઈફની નવી તસવીર પ્રકાશિત કરી હતી. જેમાં તેની એક આંખ ગાયબ દેખાઈ. તેને પેલેસ્ટાઈનમાં હીરોનો દરજ્જો છે. ગાઝામાં તેને મેહમાન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ક્યારેય કોઈ જગ્યાએ લાંબા સમય સુધી રોકાતો નથી. અને તેની જગ્યા બદલતો રહે છે. હમાસના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર તે સ્માર્ટફોન અને આધુનિક ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરતો નથી. તેને શેડો મેન પણ કહેવામાં આવે છે.
ઑક્ટોબર 7 માટે માત્ર બે જ લોકોએ પ્લાન બનાવ્યો હતો
હમાસના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર વિનાશક હુમલો કરવાનો નિર્ણય માત્ર બે લોકોએ લીધો હતો. જેમાં આ ડેઈફ પણ સામેલ હતો. જેમણે હમાસની અલ કાસમ બ્રિગેડને કમાન્ડ કરી હતી અને ગાઝામાં હમાસના નેતા યાહ્યા સિનવાર હતા. આ ઓપરેશન એટલું સિક્રેટ હતું કે હમાસના કેટલાક નેતાઓને જ તેની જાણ કરવામાં આવી હતી. હમાસને શસ્ત્રો, તાલીમ અને દારૂગોળો પૂરો પાડતા ઇઝરાયેલના પુરાતન શત્રુ ઈરાનને પણ માત્ર સામાન્ય માહિતી આપવામાં આવી હતી કે જૂથ કોઈ મોટી યોજના ઘડી રહ્યું છે. આ સિવાય અન્ય કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો :અયોધ્યા બાદ ભાજપે બદ્રીનાથ પણ ગુમાવ્યું, જાણો કેમ? શું થશે કેદારનાથમાં?