ઇઝરાયેલે શરૂ કર્યા જવાબી હુમલા, હિઝબુલ્લાહ અને હમાસના નવા ચીફ માર્યા ગયા
- બેરૂતનું આકાશ એક પછી એક 10 હવાઈ હુમલાઓથી ગૂંજી ઉઠ્યું હતું
નવી દિલ્હી, 4 ઓકટોબર: ઈઝરાયેલે ઈરાનના 180 મિસાઈલ હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઇઝરાયેલે મોડી રાત્રે બેરૂત એરપોર્ટ નજીક હુમલો કર્યો હતો. બેરૂતનું આકાશ એક પછી એક 10 હવાઈ હુમલાઓથી ગૂંજી ઉઠ્યું હતું. આ સાથે ઈઝરાયેલની સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ઇઝરાયેલે હમાસના વડા ઝહી યાસર અબ્દ અલ-રઝેક ઔફીની હત્યા કરવાનો પણ દાવો કર્યો. અહેવાલો અનુસાર, ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાશેમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલી સેનાના 17 અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.
ઇઝરાયેલી સેના શું કહ્યું?
ઇઝરાયેલી સેનાએ શુક્રવારે કહ્યું કે, તેમણે પશ્ચિમ કાંઠે તુલકરમ પર હુમલામાં હમાસ નેટવર્કના વડાને મારી નાખ્યો છે. સેનાએ એક નિવેદનમાં હમાસ આતંકવાદીની ઓળખ ઝહી યાસર અબ્દ અલ-રઝેક ઓફી તરીકે કરી છે. તે જ સમયે, એક્સિઓસના રિપોર્ટર બરાક રવિદે, શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઇઝરાયેલી સ્ત્રોતને ટાંકીને જણાવ્યું કે, બેરૂત પર ઇઝરાયેલના હુમલામાં વરિષ્ઠ હિઝબુલ્લાહ અધિકારી હાશેમ સફીદીનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સફીદીન એ વ્યક્તિ છે જેને હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહનો અનુગામી માનવામાં આવે છે. આ મામલે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર કરી શકે છે હુમલો
ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયેલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકાના પ્રમુખ જો બાઈડને સ્પષ્ટ કર્યું છે કે, જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે. જો કે, જ્યારે બાઈડનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેણે કહ્યું કે, તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં. બાઈડનના નિવેદનથી વૈશ્વિક તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાનો ડર વેપારીઓને છે. બિડેને કહ્યું, “આજે કંઈ થવાનું નથી.” સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત, ડેની ડેનને ગુરુવારે CNNને જણાવ્યું હતું કે, તેમના દેશ પાસે બદલો લેવા માટે “પુષ્કળ વિકલ્પો” છે અને “ટૂંક સમયમાં” તેહરાનને તેની તાકાત બતાવશે.
આ પણ જૂઓ: અમેઠીમાં શિક્ષક દંપતી અને તેના બે સંતાનો સહિત 4ની ગોળી મારી હત્યા