ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઈરાન પર હુમલાથી ભારત ચિંતિત, વિદેશ મંત્રાલયે કહ્યું- વાતચીતથી મુદ્દાનું સમાધાન લવાશે

નવી દિલ્હીઃ 28 ફેબ્રુઆરી, 2026: Israel-Iran War: ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ ગંભીર સ્થિતિ પર ભારત સરકારના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને તમામ પક્ષોને સંયમ જાળવવા અને વાતચીત દ્વારા વિવાદ ઉકેલવા અપીલ કરી છે.

ભારત સરકારની ચિંતા અને એડવાઈઝરી

વિદેશ મંત્રાલયે ત્યાં વસતા ભારતીય નાગરિકોને દૂતાવાસના સંપર્કમાં રહેવા અને સ્થાનિક માર્ગદર્શિકાનું પાલન કરવા કડક સૂચના આપી છે.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારત ઈરાન અને ખાડી ક્ષેત્રમાં થઈ રહેલી ઘટનાઓથી અત્યંત ચિંતિત છે. અમે તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ તણાવ ઘટાડી નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે. તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું જોઈએ.”

તેહરાનમાં હૃદયદ્રાવક ઘટના: 53 વિદ્યાર્થિનીઓના મોત

ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામૈનીને નિશાન બનાવીને તેહરાન પર ભીષણ હુમલો કર્યો છે. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, ઈઝરાયેલનું એક પ્રોજેક્ટાઈલ કન્યા શાળા પર પડ્યું હતું, જેમાં 53 નિર્દોષ છોકરીઓના મોત થયા છે. ઈરાનના વિદેશ મંત્રીએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે.

ઈરાનનો વળતો પ્રહાર: 400થી વધુ મિસાઈલો છોડી

શાળા પર થયેલા હુમલા બાદ ઈરાને મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાને ઈઝરાયેલ પર બે તબક્કામાં 400થી વધુ મિસાઈલો છોડી છે, જેના કારણે સમગ્ર ઈઝરાયેલમાં અફરાતફરી મચી ગઈ છે અને નાગરિકોને બંકરોમાં રહેવાની સૂચના અપાઈ છે. સામા પક્ષે, ઈઝરાયેલી સેનાએ ઈરાનના 100 જેટલા સૈન્ય ઠેકાણાઓ નષ્ટ કર્યા હોવાનો દાવો કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની જનતાને સંબોધતા કહ્યું કે, અમેરિકા હવે એ મદદ લઈને આવ્યું છે જેની ઈરાનીઓ વર્ષોથી રાહ જોતા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનમાં સત્તા પરિવર્તન અને ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવાનો છે. વિશ્વભરના દેશો હવે આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં ન ફેરવાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

 

Back to top button