ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલ-હમાસ યુદ્ધઃ UNના વિરામના ઠરાવમાં ભારતે કેમ ભાગ ન લીધો ?

  • યુનાઇટેડ નેશન્સમાં ભારત ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામના ઠરાવથી રહ્યું દૂર
  • ઠરાવમાં હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા કોઈ ઉલ્લેખ નહીં 

UNITED NATIONS: અમેરિકાના ન્યુયોર્ક ખાતે મળેલી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં શુક્રવારે ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ભારતે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સૈન્ય દળો દ્વારા સતત જવાબી કાર્યવાહીના ભાગ રૂપે હુમલાને તાત્કાલિક રોકવાની માંગ કરતા ઠરાવના આ મતદાનથી દૂર રહ્યું હતું. જેની પાછળનું કારણ, ઠરાવમાં હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા વિશેનો કોઈ ઉલ્લેખ ન થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં આ દરખાસ્તની તરફેણમાં બે તૃતિયાંશ બહુમતી મળવાને કારણે તેને પસાર કરવામાં આવ્યો છે. તે ગાઝામાં ઇઝરાયેલી સૈન્ય દળો અને હમાસના ઉગ્રવાદીઓ વચ્ચેના સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવાની તેમજ માનવતાના ધોરણે સામાન્ય લોકોને જીવનરક્ષક સામગ્રીનો સતત, પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરે છે.

UNમાં ભારતના ડેપ્યુટી પેરમાનેન્ટ રિપ્રેસેન્ટટિવે શું જણાવ્યું ?

યુનાઇટેડ નેશન્સમાં ભારતના ડેપ્યુટી પેરમાનેન્ટ રિપ્રેસેન્ટટિવ એવા યોજના પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, “એવા વિશ્વમાં જ્યાં મતભેદો અને વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ અને આ ગૌરવપૂર્ણ સંસ્થાએ હિંસાનો આશરો લેવા માટે ઊંડી ચિંતા કરવી જોઈએ. ત્યારે 7મી ઓક્ટોબરે ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા આઘાતજનક હતા અને નિંદાને પાત્ર હતા. અમારા વિચારો પણ બંધક બનેલા લોકો સાથે છે. અમે તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ માટે હાકલ કરીએ છીએ. આતંકવાદ એક દુષ્ટતા છે અને તે કોઈ સરહદ, રાષ્ટ્રીયતા કે જાતિ જાણતો નથી. ચાલો આપણે મતભેદોને બાજુએ રાખીએ, એક થઈએ અને આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાનો અભિગમ અપનાવીએ. ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષમાં જાનહાનિએ એક ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. નાગરિકો જેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અમે બંને પક્ષકારોને આગ્રહ કરીએ છીએ કે તેઓ હિંસાથી દૂર રહે. ભારત સતત કથળતી સુરક્ષા પરિસ્થિતિ અને ચાલુ સંઘર્ષમાં નાગરિકોના આશ્ચર્યજનક નુકસાન અંગે ખૂબ ચિંતિત છે. ભારતે હંમેશા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન આ મુદ્દાના ઉકેલને ટેકો આપ્યો છે, જે એક સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ સ્થાપના તરફ દોરી જાય છે.”

 

ભારતે અન્ય એક મહત્વપૂર્ણ પગલું ભર્યું 

અન્ય એક મહત્વપૂર્ણ પગલામાં, ભારતે કેનેડા દ્વારા પ્રસ્તાવિત સુધારાને સમર્થન આપ્યું હતું.  જેમાં ઇઝરાયેલ પર હમાસના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેને બિલકુલ સ્વીકારવામાં ન આવે. તેમજ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, ભારત અને અન્ય ઘણા દેશોના સમર્થન છતાં પૂરતા મત ન મળવાને કારણે તે પાસ થઈ શક્યું ન હતું.

આ પણ જાણો :ગાઝા પટ્ટીમાં સહાય મોકલવાનું ચાલુ રાખશે: UNમાં ભારતીય પ્રતિનિધિ

Back to top button