50 બંધકોને મુક્ત કરવા ઇઝરાયેલ-હમાસ વચ્ચે કરાર, 4 દિવસ માટે યુદ્ધવિરામ
- ઈઝરાયલે બંધકોને મુક્ત કરવાના બદલામાં 4 દિવસના યુદ્ધવિરામને મંજૂરી આપી છે.
- ઈઝરાયેલ 50 બંધકોની મુક્તિના બદલામાં 150 પેલેસ્ટિનિયન કેદીઓને જેલમાંથી મુક્ત કરશે.
- ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારમાં કતાર મધ્યસ્થી કરી રહ્યું છે.
તેલ અવીવ: ઇઝરાયેલ સરકારે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોની મુક્તિના બદલામાં 150 પેલેસ્ટિનિયન મહિલા અને સગીર કેદીઓને જેલમાંથી મુક્ત કરવા સાથે 4 દિવસના યુદ્ધવિરામને મંજૂરી આપી છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સરકારે ગાઝામાં બંધક તરીકે રાખવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ સાથે એક કરારને સમર્થન આપ્યું હતું. બદલામાં ઇઝરાયેલ સુરક્ષા સંબંધી ગુનાઓ માટે તેની જેલમાં બંધ 150 પેલેસ્ટિનિયન મહિલાઓ અને સગીરોને મુક્ત કરશે. એવા લોકોને મુક્ત કરવામાં આવશે જેમના પર કોઈ ઘાતક આતંકવાદી હુમલામાં સામેલ હોવાનો સીધો આરોપ નહીં લાગેલો હોય.
આ કરાર હેઠળ 96 કલાક દરમિયાન લડાઈ અટકાવવાના બદલામાં પ્રથમ ચાર દિવસમાં 50 બંધકોને મુક્ત કરવામાં આવશે. હમાસ દ્વારા લગભગ 40 બાળકો અને 13 માતાઓને બંધક બનાવવામાં આવી છે. મંજૂર થયેલા કરારમાં 30 બાળકો, આઠ માતાઓ અને 12 અન્ય મહિલાઓની મુક્તિનો સમાવેશ થાય છે. તે 50 બંધકોને એકસાથે નહીં પરંતુ નાના જૂથોમાં છોડવામાં આવશે. જો આગામી ચાર દિવસ સુધી લડાઈ રોકવામાં આવે તો ગાઝામાં રાખવામાં આવેલા બાકીના 30 બંધકોને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. મુક્તિ માટે સુનિશ્ચિત થયેલ તમામ લોકો જીવિત છે અને તેમની પાસે ઇઝરાયેલની નાગરિકતા છે.
કતારના અધિકારીઓ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના કરારમાં મધ્યસ્થી કરી રહ્યા છે. પીએમ નેતન્યાહુએ કહ્યું કે, યુએસ પ્રમુખ જો બાઈડેને કરાર સુધી પહોંચવામાં મદદ કરી જેથી તેમાં વધુ બંધકો અને કેટલીક છૂટછાટોનો સમાવેશ થાય. છેલ્લા દોઢ મહિનાથી ગાઝા પર ઈઝરાયેલના સતત હુમલા બાદ આ પ્રથમ યુદ્ધવિરામ હશે. આ યુદ્ધવિરામના કારણે ગાઝા સુધી માનવીય સહાય પણ પહોંચી શકશે. જોકે આ યુદ્ધવિરામ ક્યારે અમલમાં આવશે તે સ્પષ્ટ નથી. એવી અપેક્ષા છે કે ગુરૂવારથી બંધકોને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયેલી સરકારે કહ્યું કે તે મુક્ત કરાયેલા દરેક 10 બંધકો માટે એક વધારાનો દિવસ શાંતિ લંબાવશે.
આ પણ વાંચો, દેવઉઠી એકાદશી પર કરજો આ કામ, મળશે 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ