ઇઝરાયેલે હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનીયેના ઘર પર મિસાઈલ દાગી
ઇઝરાયેલે ગાઝામાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનીયેના ઘર પર મિસાઈલ હુમલો કર્યો છે. હમાસ સાથે જોડાયેલા અલ-અક્સા રેડિયોએ જણાવ્યું હતું કે ઇઝરાયલી ડ્રોને હમાસના નેતા ઈસ્માઇલ હનીયેના ગાઝા ઘર પર મિસાઇલ છોડી હતી. જોકે ઈસ્માઈલ હનીયે ઘરે હાજર ન હતા. મળતી માહિતી મુજબ, ઈસ્માઈલ હનીયે 2019થી ગાઝાની બહાર છે. તેઓ કતાર અથવા તુર્કીમાં રહેતા હોવાનું માનવામાં આવે છે. જો કે ઇઝરાયેલના સંરક્ષણ દળોએ આ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ટાઈમ્સ ઑફ ઈઝરાયેલે પેલેસ્ટિનિયન મીડિયાને ટાંકીને કહ્યું કે યુદ્ધના શરૂઆતના થોડા દિવસોમાં ઈઝરાયેલની સેનાએ હવાઈ હુમલામાં ઈસ્માઈલ હનીયેના પરિવારના 14 સભ્યોને મારી નાખ્યા હતા. પેલેસ્ટિનિયન મીડિયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં ઈસ્માઈલનો ભાઈ અને ભત્રીજો પણ માર્યો ગયો છે. નોંધનીય છેકે, સેનાએ ગાઝાના શેખ રદવાન વિસ્તારની આસાપાસ આ હવાઈ હુમલો કર્યો હતો.
કોણ છે ઈસ્માઈલ હનીયે?
ઈસ્માઈલ હનીયે રાજકીય વિંગના વડા છે અને મોહમ્મદ ઝૈફ લશ્કરી વિંગના વડા છે. ઈસ્માઈલ હનીયેનો જન્મ ગાઝાના એક રેફ્યુજી કેમ્પમાં થયો હતો. અરબી સાહિત્યમાં સ્નાતક થયા પછી, ઇસ્માઇલ હનીયે ઇઝરાયેલી નિયંત્રણ સામે બળવોમાં જોડાયા. આ વિદ્રોહમાં ભાગ લેવા બદલ તેને 6 મહિના જેલમાં રહેવું પડ્યું. ત્યારબાદ ઘણા વર્ષો સુધી તે ઇઝરાયેલ વિરુદ્ધ ષડયંત્રમાં પણ સામેલ હતા. ઈસ્માઈલ હનીયે 2006 થી 2007 સુધી પેલેસ્ટિનિયન ઓથોરિટીના વડા પ્રધાન પણ હતા. આ પછી તેમણે ગાઝામાં સ્વતંત્ર સરકાર બનાવવાની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયેલના હુમલામાં 195 લોકો માર્યા ગયાનો ગાઝાનો દાવો