સંજય રાઉતના ‘હિટલર’ નિવેદન પર ઇઝરાયેલ ગુસ્સે, MEAને પત્ર લખ્યો
- રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર યહુદીઓ વિરોધી ટ્વિટ કર્યું હતું
- ઇઝરાયેલ દૂતાવાસે શિવસેનાના નેતા સંજય રાઉત વિશે ફરિયાદ કરી
- ઇઝરાયેલના દૂતાવાસે વિદેશ મંત્રાલય અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો
નવી દિલ્હી, 25 નવેમ્બર: ઇઝરાયલે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતના હિટલરના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને ભારતીય વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. ઇઝરાયેલના દૂતાવાસે વિદેશ મંત્રાલય અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને યહૂદીઓ પર કરવામાં આવેલી ખોટી ટીપ્પણીને લઈને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે.
પત્રમાં ઇઝરાયેલ દૂતાવાસે શિવસેનાના નેતા સંજય રાઉત વિશે ફરિયાદ કરી છે, કારણ કે રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર યહુદીઓ વિરોધી ટ્વિટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, દૂતાવાસ ઇચ્છે છે કે રાઉતને જણાવવામાં આવે કે, તેમની પોસ્ટથી તે દેશને કેટલો આઘાત લાગ્યો છે જે દેશ હંમેશા ભારતની સાથે રહ્યો છે.
14 નવેમ્બરના રોજ, સંજય રાઉતે ગાઝા હોસ્પિટલમાં ગંભીર પરિસ્થિતિ વિશે ટ્વિટ કર્યું હતું. હિન્દીમાં ટિપ્પણી કરતી વખતે, તેમણે લખ્યું કે, હવે હું સમજી ગયો કે હિટલર યહૂદીઓને આટલી નફરત કેમ કરતો હતો. જોકે રાઉતે પાછળથી ટ્વીટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઈઝરાયેલના અધિકારીઓએ તેનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો. ટ્વીટને ડિલીટ કરતા પહેલા 293,000 થી વધુ વખત જોવામાં આવ્યું હતું.
પત્રમાં ઈઝરાયલીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, એક ભારતીય સાંસદ આ પ્રકારનો યહુદીઓનો વિરોધ કરશે જે આ પહેલા ક્યારે પણ બન્યું નથી. રાઉત ઑક્ટોબરમાં હુમલાની શરૂઆતથી જ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વિશે ખૂબ જ અવાજ ઉઠાવી રહ્યા છે. ગયા મહિને તેમણે શાસક ભાજપની તુલના આતંકવાદી જૂથ સાથે કરી હતી અને બાદમાં કહ્યું હતું કે ભારત ઇઝરાયેલને સમર્થન આપી રહ્યું છે કારણ કે તેણે નરેન્દ્ર મોદી સરકારને પેગાસસ “જાસૂસી” સોફ્ટવેર પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો, મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના CMને રાહત, આરોપીએ નિવેદન પાછું ખેંચ્યું