નકામી વસ્તુઓ સાચવી રાખવાનો શોખ તો નથી ને? હોઈ શકે છે માનસિક સમસ્યા
- જુની વસ્તુઓ સાથે ખૂબ જ ઊંડો અને ભાવનાત્મક લગાવ, કોઈ અન્ય વ્યક્તિ જો તે વસ્તુઓ પર હાથ પણ રાખે તો નારાજગી આ બધું હોર્ડિંગ ડિસઓર્ડરનાં લક્ષણો છે
તમે તમારી આસપાસમાં કેટલાક એવા લોકોને જોયા હશે જેઓ સફાઈ દરમિયાન કોઈ પણ જુનો સામાન ઘરમાંથી હટાવતા નથી અને બિનજરૂરી વસ્તુઓને પણ સાચવીને રાખે છે. સાયકોલોજિસ્ટ દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર આ એક માનસિક સમસ્યા છે. હોર્ડિંગ ડિસઓર્ડર નામની ગંભીર મનોવૈજ્ઞાનિક સમસ્યાથી પીડાતી વ્યક્તિમાં આ લક્ષણ જોવા મળે છે. આખી દુનિયામાં કુલ 9થી 10 ટકા લોકો આ આ માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ એક પ્રકારનો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે, જેનો સંબંધ એંગ્ઝાઈટી સાથે છે.
કેવી રીતે ઓળખશો લક્ષણ
જુની વસ્તુઓ સાથે ખૂબ જ ઊંડો અને ભાવનાત્મક લગાવ, કોઈ અન્ય વ્યક્તિ જો તે વસ્તુઓ પર હાથ પણ રાખે તો નારાજગી આ બધું હોર્ડિંગ ડિસઓર્ડરનાં લક્ષણો છે. આ સમસ્યાથી પીડાતા લોકો સતત પોતાની વસ્તુનું ધ્યાન રાખે છે. એમને મનમાં સતત લાગ્યા કરે છે કે ભવિષ્યમાં તે વસ્તુની જરૂર પડી શકે છે. આ કારણે કોઈ જુની કે બેકાર વસ્તુઓ ફેંકવા તેઓ તૈયાર હોતા નથી, પરંતુ તેને સંભાળીને અને સાચવીને રાખે છે.
શું છે નુકસાન?
આવી આદતના કારણે વ્યક્તિની જીવનશૈલી અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઘર હંમેશા ગંદુ અને વિખરાયેલું રહે છે. મન તણાવગ્રસ્ત અને ચિંતિત લાગે છે. નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે. સામાજિક જીવન પર પણ પ્રભાવ પડે છે. આ સમસ્યાથી પીડાતા લોકો આસપાસના લોકોને મળતા કે વાતચીત કરતા પણ સંકોચ અનુભવે છે. જીવનમાં કંઈક નવું કરવાનો ઉત્સાહ ખતમ થઈ જાય છે, કેમ કે તેઓ હંમેશા ભૂતકાળની યાદોમાં જ ખોવાયેલા રહે છે અને જુની વસ્તુઓને જ સાચવ્યા કરે છે. ભવિષ્ય માટે કોઈ નવી યોજના બનાવવાની તેમનામાં હિંમત હોતી નથી.
આવું શા માટે થાય છે?
જે વ્યક્તિનું બાળપણ ખૂબ જ અભાવગ્રસ્ત હોય છે, તેમને પોતાની વસ્તુઓ માટે ખૂબ લગાવ હોય છે. ભલે તે વસ્તુઓ બેકાર કે જુની કેમ ન હોય. તેને ફેંકવા કે જરૂરિયાતમંદને આપવાની તેમનામાં હિંમત હોતી નથી. તેઓ સગાસંબંધીઓ કે મિત્રો કરતા વધુ ભરોસો વસ્તુઓ પર કરે છે. જો માતા પિતામાં આવાં લક્ષણ હોય તો તેમના સંતાનને પણ હોર્ડિંગ ડિસઓર્ડર નામની માનસિક સમસ્યા થઈ શકે છે.
શું છે ઉપચાર?
ક્લીનિકલ સાઈકોલોજિસ્ટની સલાહ લો. કોગ્નેટિવ બિહેવિયર થેરેપીની મદદ લો. તેની મદદથી વ્યક્તિના વિચારો બદલી શકાય છે. જો પરિવારની કોઈ વ્યક્તિ આવી બીમારીથી પીડાતી હોય તો પરિવારની પણ ફરજ છે કે તેને સાથ સહકાર આપે અને ધીરજથી કામ લે.
આ પણ વાંચોઃ ઈલોન મસ્ક દર મિનિટે 5,72,000 કમાતા હોવા છતાં પણ અંબાણી-અદાણીથી પાછળ!