ઈસ્કોન બ્રિજ અકસ્માત : રિમાન્ડ માટે પોણો કલાક સુધી ચાલી દલીલો, આ પોઈન્ટ્સના આધારે પોલીસે રિમાન્ડની કરી માંગ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કેસમાં કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે FIR દાખલ થયા બાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. શુક્રવારે એટલે કે,21 જુલાઈના રોજ સાંજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તથ્યના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. કોર્ટે તથ્ય પટેલના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. કોર્ટમાં બને પક્ષે લગભગ પોણો કલાક સુધી દલીલો ચાલી હતી.
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને અમદાવાદના મિરઝાપુરમાં આવેલી સેશન્સ કોર્ટમાં જજ ડીએમ બાવિસીની કોર્ટમાં રજૂ કરાયા હતા. આથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસે આરોપી તથ્ય પટેલના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેને લઈ સરકારી વકીલે દલીલ કરી હતી કે,કારમાં સવાર અન્ય લોકોની પણ તપાસની જરૂર છે. તેમજ આરોપીઓના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસને તપાસમાં સહકાર આપતો નથી. સરકારી વકીલને કોર્ટને જણાવ્યું હતું કે, તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી તેમજ આરોપી મોડી રાત્રે કઈ રેસ્ટોરાંમાંથી આવ્યો તેની તપાસ જરૂરી છે.
3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીની 7 જુલાઈ, 2023ના રોજ સાડા સાત વાગ્યે અટકાયત કરી હતી પરંતુ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. 6 વાગ્યે તેને ડિસ્ચાર્જ કરતાં પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને 11:25 વાગ્યે સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં માથું દુખાવાના અને ચક્કર આવવાના બહાના કાઢી સમય પસાર કર્યો હતો અને સવારના 4 વાગ્યા સુધી હોસ્પિટલમાં જ રહ્યો હતો, જેથી પૂછપરછનો સમય મળ્યો નથી. આ ઉપરાંત, અકસ્માત પહેલાં તથ્ય મિત્રો સાથે ક્યાં ગયો હતો તેમજ કારની ઝડપ કેટલી હતી, મિત્રો સાથે શું વાતચીત થઇ હતી, તેણે અગાઉ ગુનાઓ કર્યા છે કે કેમ અને કોઈ સમાધાન કર્યું છે કે કેમ- આ બધી બાબતોની પણ તપાસ જરૂરી હોય પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે દલીલોને અંતે 3 દિવસ એટલે કે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા હતા. જ્યારે પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડની માંગ ન કરાતાં તેને જેલ મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.
તપાસ માટે કમિટીની રચના કરાઈ
ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનાને લઇને તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદી, SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી સાગઠિયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.જી કટારિયાનો કમિટીમાં સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો : તથ્ય પટેલના આલ્કોહોલ રિપોર્ટને લઈ અમદાવાદ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું