ઇસ્કોન બ્રિજ અકસ્માત: પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર દલીલો પૂર્ણ, ચુકાદાની તારીખ જાહેર
- પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીનો ચુકાદો 9 ઓગસ્ટે કોર્ટ આપશે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોના જીવ લેનારા આરોપી તથ્ય પટેલના તેના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પ્રજ્ઞેશ પટેલના વકીલે જણાવ્યું કે વાલીએ ખુદ ઘટનાસ્થળ પર જઇને પોલીસને ફોન કરેલો. આ સાથે જ પ્રજ્ઞેશ પટેલના બીજા કેસને આ કેસ સાથે ના જોડવો જોઇએ તેવી બચાવપક્ષે રજૂઆત કરી હતી. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર દલીલો પૂર્ણ થઇ હતી. 9 ઓગસ્ટે કોર્ટ આ મામલે ચુકાદો આપશે.
પ્રજ્ઞેશ પટેલના વકીલે કોર્ટમાં શું કરી દલીલ?
પ્રજ્ઞેશ પટેલના વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે દીકરાને લોકો મારતા હોય તો પિતા છોડાવે જ. વધુમાં વકીલે કહ્યું કે, એક પિતાને તેના દીકરાને બચાવવાની ફરજ હતી. એક પિતા તે સમયે શું કરી શકે તે કર્યું. વાલીએ ખુદ ઘટનાસ્થળે જઇને પોલીસને ફોન કરેલો, ફોન પર CIMS હોસ્પિટલ લઇ જવાનું કહીને લઇ ગયા હતા. પ્રજ્ઞેશ પટેલ પર લાગેલી અમુક કલમો આ કેસમાં લાગુ પડતી નથી તેવી પણ દલીલ તેમના વકીલે કોર્ટમાં કરી હતી. આ સાથે જ પ્રજ્ઞેશ પટેલના બીજા કેસને આ કેસ સાથે નો જોડવાની રજૂઆત પણ બચાવપક્ષ તરફથી કરવામાં આવી હતી. અન્ય કેસમાં તેમને જામીન મળેલા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
સરકારી વકીલે શું દલીલ કરી?
સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, ગાડીની અંદર બેઠેલા તથ્યના મિત્રો 5 સીટર ગાડીમાં 6 લોકો બેઠા હતા, 60 કિમીની સ્પીડ લિમિટ છે ત્યાં 140 કિમીની સ્પીડે ગાડી ચલાવી હતી. થાર ગાડીના અકસ્માતમાં લોકો મદદ કરવા ગયા હતા, એક લાશ ઉછળીને ગાડીના બોનેટ પર પડી હતી. તથ્યને ગાડીનો કાચ વાગ્યો છે, તેને કોઇએ માર માર્યો તેવી ફરિયાદ આપવામાં આવી નથી. કોર્ટમાં દલીલો પૂર્ણ થઇ છે. ત્યારે હવે કોર્ટ 9 ઓગસ્ટે બુધવારે આ મામલે ચુકાદો આપશે.
આ પણ વાંચો: પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?