ઈસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે આકરા પાણીએ CM: અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસનો આદેશ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલી વાહન અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તે અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત જે નવ કમનસીબ વ્યક્તિઓના અકાળે મૃત્ય થયા છે તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના અને દિલસોજી પાઠવવા સાથે પ્રત્યેક મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરેલી છે.
એટલું જ નહિ, આ અકસ્માતનાં ઈજાગ્રસ્તોને રૂ. પચાસ હજારની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારો અને સોલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની સહાય માટે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલને સોલા સિવિલ હોસ્પિટલ પહોંચવા તત્કાલ સૂચનાઓ આપી હતી તે મુજબ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સારવાર સહિતની વ્યવસ્થાઓમાં મદદરૂપ થયા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ અકસ્માત સ્થળની મુલાકાત લઈને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી દુર્ઘટના કઈ રીતે ઘટી તેની વિસ્તારપૂર્વક જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગૃહ રાજ્ય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટના ક્રમની અને પોલીસ તંત્ર દ્વારા આ ઘટના બાદ લેવાયેલા પગલાઓથી માહિતગાર કર્યા હતા.
આ પણ વાંચો- ઈસ્કોન અકસ્માત: અમે સરકારને પાંચના બદલે આઠ લાખ આપીશું અમને ન્યાય મળવો જોઇએ: પીડિત પરિવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા. તદ્અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાંથી પસાર થતાં હાઈ-વે સહિત રાજ્યભરમાં હાઈ-વે પર વાહનોની સ્પીડ વગેરેની દેખરેખ માટે સી.સી.ટી.વી કેમેરા નેટવર્ક અને મહાનગરોનાં હાઈ-વે પર લાઈટ-પોલ અંગે પોલીસ, માર્ગ-મકાન, શહેરી વિકાસ વિભાગ અને સ્થાનિક સત્તાતંત્ર વચ્ચે સંકલન સાધીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્ય સચિવને સુચનાઓ આપી હતી.

આ બેઠકની ચર્ચાઓમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવાશે. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, અમદાવાદમાં થયેલી આ અકસ્માત જેવી ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી રાજ્ય સરકાર આ માર્ગ અકસ્માતની ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે કરવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તથા મુખ્યમંત્રીનાં સલાહકાર એસ.એસ.રાઠૌર, વાહન વ્યવહાર અને બંદરોનાં અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, માર્ગ-મકાન સચિવ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનર, રોડ સેફ્ટી ઓથોરિટીનાં અધ્યક્ષ લલીત પાડલિયા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો-ઇસ્કોન અકસ્માત: બોટાદના ત્રણ કૌટુંબિક ભાઈઓની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું