અકસ્માત બાદ સુરેન્દ્રનગરમાં છવાયો માતમ: પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વિદ્યાર્થીઓને ભારે હૈયે અપાઇ વિદાય
સુરેન્દ્રનગર: ઇસ્કોન બ્રિજ પર થયેલા ડમ્પર અને થાર ગાડીના અકસ્માતને જોવા ઊભેલા લોકોને 160ની સ્પીડે આવતી જેગુઆર કારે અડફેટે લેતાં નવ લોકોનાં મોત થયાં છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. તે ઉપરાંત બે કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ યુવકનું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતમાં સુરેન્દ્રનગરના એક જ પરિવારના બે યુવક, એક પોલીસ કોન્સ્ટેબલ સહિત ચારનાં મોત થયાં છે. ટ્રાફિક-પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારના મૃતદેહને વતન ચુડામાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હીબકે ચડ્યું હતું.
અકસ્માતમાં મોતને ભેટેલા ટ્રાફિક-પોલીસના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના રહેવાસી છે. તે ઉપરાંત બે મિત્રો અરમાન વઢવાણિયા અને અમન કચ્છી સુરેન્દ્રનગરના રહેવાસી છે. તો ચોથો મૃતક રોનક રાજેશભાઇ વિઠ્ઠલપરા પણ મૂળ ચુડા તાલુકાના ચાચકા ગામનો રહેવાસી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચાર લોકોનાં મોત થતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
અમદાવાદ ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવી રહેલા ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના રહેવાસી હતા, જેમના મૃતદેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં પરિવારજનો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને તેમની એક બાળકી પણ છે.
આમ સુરેન્દ્રનગરના ગામડાઓમાં એક સાથે ચાર લોકોને ભારે હૈયે વિદાય આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના માતા-પિતા પર આભ ફાટી પડ્યું છે. તો આ અકસ્માતમાં વધુ એક પોલીસ કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યાના સમાચાર આવતા રાજ્યભરના લોકોના હૈયા ભરાઇ આવ્યા છે. અકસ્માતમાં બાળકોના મોતથી રાજ્યભરમાં આક્રોશ અને દુ:ખની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો-ઈસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે આકરા પાણીએ CM: અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસનો આદેશ