ઈસ્કોન અકસ્માતને એક માસ પૂર્ણ: આજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ચુકાદો
ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ પોલીસે જેગુઆર ગાડીના ચાલક તથ્ય પટેલ ઉપરાંત તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી. પ્રજ્ઞેશ પટેલ પર અકસ્માત સમયે હાજર લોકોને ધમાવવાના આરોપ છે. ત્યારે પ્રગ્નેશ પટેલે કેન્સરની બિમારીની સારવાર માટે કામચલાઉ જામીન માટે અમદવાદની મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની સુનાવણી આજે હાથ ધરાશે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ તથ્ય અને પ્રજ્ઞેશ ની જામીન અરજી પર ચુકાદો આપશે. ત્યારે બીજી તરફ આ અકસ્માતને આજે એક મહિનો પુરો થયો છે.
ઈસ્કોન અકસ્માતને આજે એક માસ પૂર્ણ, આજે કોર્ટમાં સુનાવણી
ઉલ્લેખનીય છે કે ગત 19મી જુલાઈની મધ્યરાત્રિએ અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર એક સ્પીડમાં આવેલી જગુઆર કારથી તથ્ય પટેલે લોકોના ટોળાને અડફેટે લીધા હતા, આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે લોકોનો જીવ લેનાર આરોપી તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.આજે પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર પણ ચુકાદો આપી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટે બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. તથ્ય પટેલ જેલમાંથી બહાર આવવા માટે હવાતિયા મારી રહ્યો છે.
આ પણ વાંચો : અંબાજી બાદ હવે ગબ્બર પર્વત પર પ્રસાદીને લઈ સર્જાયો વિવાદ , જાણો સમગ્ર મામલો
પ્રજ્ઞેશએ બીમારીનું કારણ દર્શાવી કરી છે જામીન અરજી
પ્રજ્ઞેશ પટેલ તરફથી કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે કે, તેને મોંઢાના કેન્સરની બિમારી છે અને તેની સારવાર માટે મુંબઇ કે અમદાવાદમાં આવેલી હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે. અને આ બિમારીની ગંભીરતા જોતાં તેમને સારવાર કરાવવા માટે મુંબઇ જવુ પડે તેમ હોવાથી વચગાળાના ધો૨ણે કામચલાઉ જામીન આપવા અદાલતને વિનંતી કરી છે. આ સાથે અદાલત દ્વારા કામચલાઉ જામીન આપતી વખતે જે શરતો કહેશે તેનું પણ પાલન કરવા તે તૈયાર છે તેવુ જણાવ્યું છે.
મૃતકના પરિજનો સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલના જામીન પર ચુકાદો આપતા પહેલા મૃતકના પરિજનોએ તેમને સાંભળવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કુલ 3 મૃતકના પરિજનો સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા અને પ્રજ્ઞેશ પટેલ અને તથ્ય પટેલ સામે ચાલી રહેલા કેસમાં પોતાનો પક્ષ મૂકવા કોર્ટ પાસે માંગ કરી હતી. જે અરજી કોર્ટે માન્ય રાખી છે અને આજે તેમને હાજર રહેવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : જામનગર: મહિલા નેતાઓનો વિવાદ હજુ યથાવત, રિવાબાના ‘ઔકાતમાં રહેજો’ નિવેદન પર મેયરનો પરિવાર લાલઘુમ