ઈશાન કિશન મિડલ ઓર્ડરની બેટિંગ કરશે, ઓપનિંગ નહીં : કેપ્ટને કરી દીધું ક્લિયર
શ્રીલંકા બાદ હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેના પડકાર માટે તૈયાર છે. ભારત ઘરઆંગણે કિવી ટીમ સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમશે. આવતીકાલે બુધવારે (18 જાન્યુઆરી) રમાનાર પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઈશાન કિશનને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઈશાન મિડલ ઓર્ડરની બેટિંગ કરશે, ઓપનિંગ નહીં.
કેપ્ટન રોહિત શર્માએ બધું ક્લિયર કરી દીધું
ઇશાન કિશને ગયા વર્ષે 10 ડિસેમ્બરે બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી. જે બાદ તેને શ્રીલંકા સામેની શ્રેણીમાં રમવાની તક મળી ન હતી. વિકેટકીપર કેએલ રાહુલ સિવાય શ્રેયસ અય્યર પણ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં નહીં રમે. આવી સ્થિતિમાં ઈશાનનું રમવું ફિક્સ માનવામાં આવતું હતું. ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે કિશન કયા ક્રમ પર બેટિંગ કરશે. રોહિત અને શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવું મુશ્કેલ હતું. હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટને બધું સાફ કરી દીધું છે.
ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ભારતની વનડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
ભારત વિ ન્યુઝીલેન્ડ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં છ મેચ માટે ન્યુઝીલેન્ડની યજમાની કરશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ ટી20 અને ત્રણ વનડે રમાશે. ઈન્દોર, રાંચી અને લખનૌને પણ એક-એક મેચની યજમાની કરવાની તક મળી છે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. જ્યારે કે પ્રથમ T20 રાંચીમાં 27 જાન્યુઆરીએ રમાશે. ભારત-ન્યૂઝીલેન્ડ બીજી T20 29 જાન્યુઆરીએ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે જ્યારે કે 1લી ફેબ્રુઆરીએ T20નો અંતિમ મેચ સાથે શ્રેણી અમદાવાદમાં સમાપ્ત થશે.