ઈશાન કિશને ફટકારી શાનદાર સદી, આ ટૂર્નામેન્ટમાં પ્રવેશતાની સાથે જ કરી જોરદાર બેટિંગ
- બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડ તરફથી રમતા ઈશાન કિશને મધ્યપ્રદેશ સામે શાનદાર સદી ફટકારી છે. તેણે 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી
ઝારખંડ, 17 ઓગસ્ટ: ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલો ઈશાન કિશન ફરી એકવાર મેદાનમાં ઉતર્યો છે. તેને ભલે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં ના આવ્યો હોય, પરંતુ તેણે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં તેની ટીમ ઝારખંડ તરફથી રમતી વખતે શાનદાર સદી ફટકારીને તેના પુનરાગમનની આશા જીવંત કરી છે. ઈશાનની સદી વધુ ખાસ બની ગઈ કારણ કે તેની ટીમના અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યા નથી. ઈશાને પોતાની ટીમ માટે એક છેડો પકડીને વિરોધી ટીમને લીડ પણ અપાવી હતી.
બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઇશાન કિશને મધ્યપ્રદેશ સામે ફટકારી સદી
હાલમાં બુચી બાબુ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ઝારખંડ vs મધ્યપ્રદેશ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મધ્યપ્રદેશની ટીમે 225 રન બનાવ્યા અને તમામ ખેલાડીઓ આઉટ થઈ ગયા. ટીમે 91.3 ઓવરની બેટિંગ કરી હતી. મધ્યપ્રદેશ તરફથી શુભમ કુશવાહાએ સૌથી વધુ 84 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અરહમ અકીલ 57 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો. આ પછી ઝારખંડનો વારો આવ્યો. ઈશાન કિશન સિવાય આ ટીમનો અન્ય કોઈ બેટ્સમેન સારું રમી શક્યો નહોતો. ઈશાન કિશને પોતાની આક્રમક શૈલીમાં બેટિંગ ચાલુ રાખી અને માત્ર 86 બોલમાં સદી ફટકારી. ઈશાને સદી પૂરી કરી ત્યાં સુધીમાં ટીમ 225થી વધુ રન બનાવી ચૂકી હતી. એટલે કે હવે અહીંથી ટીમ જે પણ રન બનાવશે તે લીડમાં કન્વર્ટ થઈ જશે. ઈશાન કિશને બે ઉપરા ઉપર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.
ઈશાને 107 બોલમાં 114 રન બનાવ્યા
ઇશાન કિશને પોતાની ઇનિંગ દરમિયાન 107 બોલનો સામનો કર્યો અને 114 રનની જોરદાર ઇનિંગ રમી. મધ્યપ્રદેશના અધીર પ્રતાપ સિંહના આઉટગોઇંગ બોલને ફટકારવાનો પ્રયાસ કરતી વખતે તે આઉટ થયો હતો. જોકે, ત્યાં સુધીમાં ઝારખંડનો કુલ સ્કોર 252 રન પર પહોંચી ગયો હતો. હવે જોવાનું એ રહે છે કે મેચનું પરિણામ શું આવે છે. ઈશાન કિશન સિવાય આ ટૂર્નામેન્ટમાં ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા અન્ય ઘણા ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે, તેમના પર પણ નજર રાખવામાં આવશે.
બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે ઈશાનના નામ પર થઈ શકે છે વિચાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી રમાનાર બે ટેસ્ટ મેચની શ્રેણી માટે હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે આવતા મહિનાના પહેલા સપ્તાહમાં જ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા ખેલાડીઓ પાસે વધુ સારું પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાની સારી તક છે. હવે જોવાનું એ રહેશે કે ઈશાન કિશન ભારતીય ટીમમાં પરત ફરે છે કે પછી તેને હજુ થોડા દિવસો રાહ જોવી પડશે.
આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તૂટવાની અણી પર, આ ખેલાડી માત્ર આટલા રનથી જ દૂર