

દેશભરમાં વિકાસના અનેક કામોને ઝડપથી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મુંબઈ-ગોવા એક્સપ્રેસ વેને ફોર લેન બનાવવાના પ્રોજેક્ટ હેઠળ ચિપલુણ ખાતે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. દરમિયાન સોમવારે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ આ બ્રિજનો એક ગર્ડર પડી ગયો હતો અને થોડીક વારમાં જ પુલનો અમુક હિસ્સો પણ તૂટીને નીચે પડ્યો હતો. પુલનું કામ કરનારી ક્રેન પણ ખરાબ થઈ ગઈ છે. જો કે તેમાં હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.
પુલનો પિલર તૂટ્યો, ઘટના સીસીટીવીમાં કેદ
મળતી માહિતી મુજબ, સોમવારે ચિપલુણ શહેરમાં મુંબઈ-ગોવા ફોર-લેન હાઈવેના નિર્માણાધીન સ્થળ પરનો એક થાંભલો તૂટી પડ્યો હતો. થોડી જ વારમાં, ફ્લાયઓવરનો એક ભાગ પણ તૂટી પડ્યો હતો, જેના કારણે સાઇટ પર ઉપયોગમાં લેવાતા ક્રેન મશીનને નુકસાન થયું હતું. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ સમગ્ર ઘટના આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળી રહેલી માહિતી પ્રમાણે બહાદુરશેખ નાકાના ફ્લાયઓવરમાં કુલ 46 પિલર હોય છઠ્ઠા પિલર સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અચાનક સોમવારે સવારે ફ્લાયઓવરનો ગર્ડર ધસી પડ્યો હતો અને એને કારણે મોટો અવાજ આવ્યો હતો. ત્યારબાદ થોડા સમય સુધી તો કંઈ થયું નહીં પરંતુ થોડાક સમય બાદ પુલનો કેટલોક હિસ્સો પણ તૂટી પડ્યો હતો.
કાટમાળ ઉંચકવા માટે બે મહિના જેટલો સમય લાગી શકે
સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ દરમિયાન કામ ચાલી રહ્યું હતું એ સમયે જ આ ગર્ડર ધસી પડ્યો હતો, પરંતુ એ સમયે આટલું નુકસાન થયું નહોતું. પરંતુ બપોરે સવાબે-અઢી વાગ્યાની આસપાસમાં ફ્લાયઓવરનો અમુક હિસ્સો પણ તૂટી પડ્યો હતો. આ સમયે સાઈટ પર કામ કરી રહેલી ક્રેન પણ સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ હતી. તૂટી પડેલાં ફ્લાયઓવરનો કાટમાળ ઉંચકવા માટે બે મહિના જેટલો સમય લાગી શકે છે, એવી માહિચી રત્નાગિરી સાર્વજનિક બાંધકામ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવી હતી.