રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ હવે બાળકોમાં પોતાની જવાબદારીઓ વહેંચવાનું શરૂ કરી દીધું છે. રિલાયન્સ જિયોની બાગડોર મોટા પુત્ર આકાશ અંબાણીને સોંપ્યા બાદ હવે પુત્રી ઈશા પણ રિટેલ બિઝનેસના ચેરમેન તરીકે નિયુક્ત થવા જઈ રહી છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. જો કે, આજે અમે તમને રિલાયન્સ રિટેલની ભાવિ ચેરમેન ઈશા અંબાણી વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે, જેમાં આકાશ અને ઈશા જોડિયા ભાઈ-બહેન છે, જ્યારે અનંત અંબાણી સૌથી નાના છે. ઈશા પહેલીવાર લાઈમલાઈટમાં આવી હતી જ્યારે તે 16 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ વારસદારની યાદીમાં બીજા નંબરે હતી.
30 વર્ષની ઈશા અંબાણીએ યેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશાએ અહીં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું. ઈશા અંબાણીએ અમેરિકામાં મેકકિન્સે એન્ડ કંપનીમાં પણ કામ કર્યું હતું.
ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનું માર્કેટિંગ કામ સંભાળે છે. વર્ષ 2016માં ફેશન પોર્ટલ Ajio લોન્ચ કરવાનો શ્રેય તેમને જાય છે. પિતા મુકેશ અંબાણીએ એકવાર કહ્યું હતું કે ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના લોન્ચ પાછળની પ્રેરણા ઈશા અંબાણી હતી. તેણે ભાઈ આકાશ અંબાણીને બ્રાન્ડિંગ અને ગ્રાહકના નિર્ણયોમાં મદદ કરી. ઈશાએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે. આનંદ પીરામલના પિતા અજય પીરામલ છે, જે પિરામલ ગ્રુપના વડા છે. આનંદ પીરામલ-ઈશા અંબાણીના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા.