શું તમારો ફોન ચાર્જ કરતી વખતે ગરમ થઈ રહ્યો છે? તો તેને નજરઅંદાજ ન કરશો, જાણો તેને રોકવાની કેટલીક રીત
- જો તમારો ફોન ચાર્જિંગ દરમિયાન વારંવાર સામાન્ય કરતા વધુ ગરમ થાય છે, તો તે કેટલાક જોખમની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે અહીં તેના કારણો અને તેને રોકવાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ
HD ન્યૂઝ ડેસ્ક, 13 એપ્રિલ: આપણે ત્યાં ગરમીની શરુઆત થઈ ગઈ છે. આપણે જો તડકામાં બહાર જઈએ છીએ તો આપણે તો તપી જઈએ છીએ પરંતુ આપણી સાથે સાથે આપણો સ્માર્ટ ફોન પણ તપી જાય છે. પરંતુ એ તડકાને કારણે એવું થતું હોય છે, પણ જો તમે તમારા ફોનને ચાર્જ કરવા માટે ચાર્જિંગમાં મુકો છો અને ચાર્જમાં મુકતાની સાથે જ તે ગરમ થવા લાગે છે તો તે મોટી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. ખાસ કરીને જો આ વારંવાર થતું હોય તો આ સમસ્યા ચાર્જરથી લઈને ઓવરચાર્જ્ડ ફોન અથવા બંધ અને ગરમ રૂમમાં ફોનને ચાર્જ કરવા સુધીના કોઈપણ કારણોસર થઈ શકે છે. જો કે કારણ ગમે તે હોય પણ આ સમસ્યાને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તેનાથી કોઈ દુર્ધટનાની શક્યતા વધી જાય છે અને ફોનના પરફોર્મન્સ અને બેટરી લાઈફને પણ અસર કરે છે. ચાલો જાણીએ આ સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય.
ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેનો ઉપયોગ કરવાનું ટાળો
જ્યારે પણ તમે મૂવી જુઓ છો અથવા કોઈ ગેમ રમો છો અથવા કોઈપણ હેવી એપનો ઉપયોગ કરો છો, ત્યારે ફોનને સતત તેના CPU અને GPUથી ઘણી બધી પ્રોસેસિંગ પાવરની જરૂર પડે છે. જેના કારણે તે સામાન્ય ગરમ તો થતો જ હોય છે. પરંતુ જો તમે આવા સમયે ફોનને ચાર્જમાં મુકો છો તો તેની ગરમીનું પ્રમાણ ઘણું બધું વધી શકે છે અને મોબાઈ ફાટી પણ શકે છે. જેથી જો તમારા મોબાઈલ ફોનમાં બેટરી ઓછી હોય તો તેમાં ગેમ રમવાનું ટાળવું જોઈએ. આ સાથે જ જો મોબાઈલમાં ચાર્જ ઓછું હોય તો તેનો વપરાશ પણ ટાળવો જોઈએ. ક્યારેય ફોનને ચાર્જમાં મુકીને વપરાશ ન જ કરવો જોઈએ. આવું કરવાથી ફોન વધારે પડતો ગરમ થાય છે અને તેની સીધી અસર ફોનની બેટરી ઉપર પડે છે.
ખરાબ ચાર્જર અથવા કેબલનો ઉપયોગ કરવાનું ટાળો
જો તમે તમારી બેટરી ચાર્જ કરવા માટે કોઈ બીજા ફોનનું ચાર્જર કે કેબલનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમારા ફોનને નુકસાન થવાની સંભાવના વધી જાય છે. મૂળ ચાર્જર કે મૂળ કેબલથી જ ચાર્જ કરવો જોઈએ. જો બીજા ચાર્જરથી ફોન ચાર્જ કરવામાં આવે છે તો ચાર્જરમાં જો વોલ્ટેજ વધારે હશે તો તમારો ફોન ગરમ થઈ શકે છે અને તેની સીધી અસર બેટરી ઉપર થાય છે.
હવાના પરિભ્રમણનું ધ્યાન રાખો
આમ જોવો જઈએ તો અત્યારે ઉનાળાના સમયે બહાર પણ તાપમાનમાં ભારે વધારો થયો છે અને ગરમી વધી રહી છે. તો આવા સમયે જો આપણે આપણો ફોન ચાર્જમાં મુકીએ છીએ ત્યારે બહારનું વાતાવરણ પણ તેને અસર કરે છે. તેથી ગરમીના સમયે જો તમે તમારો ફોન ચાર્જમાં મુકો છો તો તેના પર રહેલું મોબાઈલ કવર દુર કરવું જોઈએ. કવર દુર કર્યા પછી જ તેને ચાર્જમાં મુકવો જોઈએ. એપલ પણ તેના ગ્રાહકોને ફોન ચાર્જમાં મુકતી વખતે કવર દુર કરવાની સલાહ આપે છે.
આ કેટલીક સામાન્ય પદ્ધતિઓ અમે જણાવી છે, જેના દ્વારા તમારો ફોનમાં ઓવરહિટીંગની સમસ્યાને અટકાવી શકાય છે. પરંતુ જો આ તમામ પદ્ધતિઓ કરવા છતાં પણ તમારો સ્માર્ટફોન ગરમ થાય છે તો તેને અવગણશો નહીં અને તરત જ તમારા ફોનને બહાર બતાવો અથવા તો કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરો.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામે અશ્લીલ કન્ટેન્ટને બ્લર કરવાનું શરૂ કર્યું, કહ્યું- યુવાનોની સુરક્ષા માટે પગલાં જરૂરી