વીડિયો: શું આ એલિયન ગ્રહ છે? અવકાશમાંથી જોવા મળ્યો પૃથ્વીનો અનોખો નજારો
નાસા, 16 ફેબ્રુઆરી : લોકોને હંમેશા અન્ય ગ્રહો અને એલિયન્સ વિશે વાત કરવામાં રસ પડે છે. અવકાશ વિજ્ઞાનીઓ પણ બ્રહ્માંડ વિશે વધુને વધુ જાણવા માટે સ્પેસ સ્ટેશન પરથી અન્ય ગ્રહોની તસવીરો લેતા રહે છે. આવો જ એક વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર ઘણો વાઇરલ થયો છે. વન્ડર ઓફ સાયન્સ નામના એકાઉન્ટ પરથી એક્સ પર શેર કરવામાં આવેલો આ વીડિયો જોનસન સ્પેસ સેન્ટર નાસામાંથી લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ વીડિયોને જોઈને એવું લાગે છે કે આ મંગળ કે બુધ ગ્રહની તસવીરો હશે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આ તસવીરો કોઈ અન્ય ગ્રહની નહીં પરંતુ આપણી પૃથ્વીની જ છે.
This alien-looking planet is actually the Earth seen from space as sandstorms and cumulonimbus clouds cover the Sahara Desert.
📸: NASA Johnson pic.twitter.com/9iVYjHjWCR
— Wonder of Science (@wonderofscience) February 12, 2024
સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવેલો આ વીડિયો પૃથ્વીના તે ભાગનો છે જ્યાં વિશાળ સહારાનું રણ આવેલું છે. આ વિશાળ રણને કારણે એવું લાગે છે કે આ પૃથ્વી નહીં પણ કોઈ અન્ય ગ્રહ છે. તેથી, વીડિયોની સાથે આપેલા કેપ્શનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રણમાં ઉછળતા તોફાનો, ટોર્નેડો અને વાદળોને કારણે એલિયન ગ્રહ જેવો દેખાતો આ ગ્રહ વાસ્તવમાં પૃથ્વી છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે જ્યારે પૃથ્વી પર જ આવા અદભૂત વાદળો અને તોફાનો દેખાઈ રહ્યા છે તો પછી આપણને એલિયન્સની શું જરૂર છે.
આફ્રિકાના ઉત્તર ભાગમાં આવેલુ સહારા રણ વિશ્વનું સૌથી મોટું અને સૌથી ગરમ રણ છે. મોરોક્કો, અલ્જીરિયા, ઇજિપ્ત, લિબિયા, સુદાન અને ટ્યુનિશિયા જેવા વિશ્વના ઘણા દેશો આ રણમાં અથવા તેની નજીક વસે છે. સહારાનો મોટાભાગનો ભાગ ઉજ્જડ છે, જે ખડકાળ ઉચ્ચપ્રદેશો, મીઠાના સપાટ ટેકરાઓ, પર્વતો અને સૂકી ખીણોથી ઢંકાયેલો છે. અહીંની આબોહવા ખૂબજ મુશ્કેલી ભરી છે. અહીં ઉનાળાની ઋતુમાં તાપમાન 58 ડિગ્રી સુધી પહોંચી જાય છે. તેથી સ્વાભાવિક છે કે અહીંની આ પરિસ્થિતિમાં રહેવું મનુષ્યો માટે ખૂબ જ મુશ્કેલ છે, તેથી અહીંની વસ્તી પણ ઘણી ઓછી છે.
આ પણ વાંચો : અવકાશમાં ફરતા એસ્ટરોઇડ પર પહેલીવાર પાણી મળ્યું છે