રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હજુ ગઈકાલે ડેરી પ્રોડક્ટ્સ વેંચતા ધંધાર્થીઓને ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી અને કેટલીક મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો કે જે વેંચીને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન આજે શહેરમાં જુદા જુદા ફ્લેવર્સના ડ્રાયફ્રૂટ્સ વેંચતા વેપારીઓને ત્યાં ત્રાટકી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
ક્યાં ક્યાં દરોડા પડ્યા ? અને શું મળી આવ્યું ?
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રૈયા રોડ પર આવેલી કિરણ ડ્રાયફ્રૂટ્સ પેઢીની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલી એક્સપાયરી થયેલો અને વાસી 2.5 કિલો ડ્રાયફ્રૂટ ચેવડો 2.5 કિલો ચોકલેટ કાજુ અને ચોકલેટ બદામ અને 1 કિલો જેલી મળી આવી હતી. આ 6 કિલો વાસી અને અખાદ્ય ચીજવસ્તુઓના સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ લાયસન્સ અંગે 20 પેઢીની ચકાસણી કરી 8 ને નોટીસ અપાઈ
દરમિયાન મનપાના અધિકારીઓએ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મવડી મેઇન રોડ, બાપાસીતારામ ચોક વિસ્તારમાં લાઇસન્સ અંગે અવેરનેસ ડ્રાઈવ તથા ચકાસણી કરવામાં આવી હતી. 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 8 ધંધાર્થી 1. જોગમાયા કોલ્ડ્રિંક્સ, 2. હરભોલે કોલ્ડ્રિંક્સ, 3. મોમાઈ હોટેલ એન્ડ પાન, 4. બાપાસીતારામ દાળ પકવાન, 5. જાનકી પાન એન્ડ ટી સ્ટોલ, 6. જય ખોડિયાર કોલ્ડ્રિંક્સ, 7. જલ્પા કોલ્ડ્રિંક્સ અને 8. શ્રી પાન એન્ડ કોલ્ડ્રિંક્સને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેચાણ થતા દૂધ, ઠંડાપીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વગેરેના 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ગાય ઘી અને લુઝ કુકીઝના નમુના લેવાયા
આ ઉપરાંત મહાનગરપાલિકાની ટીમ દ્વારા 1. વિદુર ગાયનું ઘી (500 ML પેક) સ્થળ- ભાગ્યોદય અનાજ ભંડાર, ગુંદાવાદી, શાકમાર્કેટ રોડ, અરિહંત બિઝનેસ સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર 2. રાજભોગ કુકીઝ (લુઝ) સ્થળ- જલારામ બ્રેકર્સ, સિંધિ કોલોની મેઇન રોડ, જુલેલાલ મંદિરની બાજુમાંથી નમુના લીધાની કાર્યવાહી કરી હતી.