કંગના રણૌતે કહ્યું, રાજકારણમાં આવવાનો આ સમય…
મુંબઈ, 28 ફેબ્રુઆરી: બોલિવૂડની ધાકડ એક્ટ્રેસ કંગના રણૌત કોઈપણ મુદ્દે પોતાના વાતો કહેવામાં જરાય ખચકાટ નથી અનુભવતી. તે પોતાના સ્પષ્ટ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, જેના કારણે તે ઘણીવાર વિવાદોમાં પણ ફસાઈ જાય છે. પરંતુ કોઈપણ ડર વગર અભિનેત્રી બધું જ લોકો સમક્ષ મૂકે છે. કંગના જે રીતે દરેક મુદ્દા રાખે છે તેનાથી ઘણીવાર રાજનીતિમાં એન્ટ્રીને લઈને અટકળો થતી રહે છે. કંગનાએ આખરે પોતાનું મૌન તોડ્યું છે કે તે રાજકારણમાં ઝંપલાવશે કે નહીં…
શું ધાકડ એક્ટ્રેસ કંગના રાજકારણમાં ઝંપલાવશે?
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, મેં ઘણી ફિલ્મોના સેટ માટે રાજકીય પક્ષો સાથે લડાઈ કરી છે. મારા દેશ માટે હું જે કરવા માંગુ છું તે કરવા માટે મને જગ્યા મળતી નથી. પરંતુ, જો હું રાજકારણમાં આવવા માંગું તો કદાચ મને લાગે છે કે આ એક યોગ્ય સમય છે. કંગનાએ આગળ કહ્યું- આ દેશે મને ઘણું આપ્યું છે, જેને પાછું આપવાની જવાબદારી હું અનુભવું છું. હું હંમેશા રાષ્ટ્રવાદી રહી છું અને તે છબી મારા અભિનયમાં પણ ઊંડે સુધી ઉતરી છે. હું એ વાતથી ખૂબ ખુશ છું કે, લોકો મને પ્રેમ આપે છે અને મારી સરાહના કરે છે.
અગાઉ રાજકારણમાં આવવાની વાત નકારી હતી
અગાઉ કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, હું ખૂબ જ સંવેદનશીલ અને સમજદાર વ્યક્તિ છું. હું કોઈ રાજકીય વ્યક્તિ નથી. મને ઘણી વખત રાજનીતિમાં જોડાવાનું કહેવામાં આવ્યું પરંતુ હું નથી જોડાઈ. જોકે, કંગનાના રાજકારણમાં પ્રવેશના યોગ્ય સમયની વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે કંગના ટૂંક સમયમાં ચૂંટણી લડી શકે છે. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રણૌત ટૂંક સમયમાં જ ફિલ્મ ઇમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મને કંગનાએ ખુદ ડિરેક્ટ કરી છે. કંગનાએ ઈમરજન્સીમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: ઈમરજન્સી લાગી હતી એ જ મહિનામાં આવશે ફિલ્મ, કંગનાએ ડેટ જાહેર કરી