અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2024, શહેરમાં સોસાયટીમાં મકાન માલિકો, ભાડૂઆતો અને કોમર્શિયલ પ્રોપર્ટીના માલિકો અને ભાડુઆતોમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા વધારવામાં આવેલા મેઈન્ટેનેન્સ મુદ્દે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે સોસાયટીની વારંવાર થતી મીટિંગોમાં મેઈન્ટેનેન્સનો ચાર્જ વધારવા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેનો ભારે વિરોધ થયો હતો. સોસાયટી દ્વારા કોમર્શિયલ અને રેસિડેન્સના ભાડુઆતોના મેન્ટેનેન્સમાં સીધો જ 40% વધારો કરી દેવામાં આવતા માલિકો અને તેમના ભાડુઆતોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે માલિકો સોસાયટી સામે કાયદાકિય પગલાં લેવાનું વિચારી રહ્યાં છે.
કોમર્શિયલના કોઈપણ પ્રતિનિધિને સોસાયટીના બોર્ડમાં રાખ્યો જ નથી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના શેલામાં સ્થિત ઓર્ચિડ સ્કાય નામની સોસાયટીમાં ફ્લેટ અને કોમર્શિયલ બાંધકામ છે. જેમાં હવે મેઈન્ટેનેન્સને લઈને મોટો વિવાદ શરૂ થયો છે. સોસાયટીના ચેરમેન કૃપા જોશી અને સેક્રેટરી ઉપેન્દ્ર પટેલે ફ્લેટના ભાડુઆતો અને કોમર્શિયલમાં સીધેસીધું 40% મેઈન્ટેનેન્સ વધારી દેતાં રોષની લાગણી પ્રવર્તી છે. સોસાયટીના રહિશો અને કોમર્શિયલમાં બિઝનેસ કરતાં લોકોનું કહેવું છે કે, સોસાયટી દ્વારા શુક્રવારે મીટિંગ રાખવાની વાત કરવામાં આવી હતી પણ શનિવારે બારોબાર મીટિંગ રાખી દેવામાં આવી હતી. જેની કોઈને જાણ કરાઈ નહોતી. એવી તો શું ઉતાવળ હતી આ મીટિંગની. તે ઉપરાંત કોમર્શિયલના કોઈપણ પ્રતિનિધિને સોસાયટીના બોર્ડમાં રાખ્યો જ નથી જે કાયદાની વિરૂદ્ધ છે.
સોસાયટીએ ભાડુઆતોના મેઈન્ટેનેન્સમાં 40% વધારો કર્યો
સોસાયટીના લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, કોઈપણ સોસાયટી ભાડુઆતોના મેઈન્ટેનેન્સમાં સીધેસીધો 40% વધારો કેવી રીતે કરી શકે. શું સોસાયટીમાં ભાડુઆતને મકાન આપવું ગુનો છે? સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી આટલા બધા રૂપિયા ભેગા કરીને કોને આપવા માંગે છે? મીટિંગો કરીને સીધે સીધો વધારે સૂચવી દેવો એ કાયદાકીય રીતે યોગ્ય નથી. ચેરમેન અને સેક્રેટરીએ સોસાયટીના સભ્યો સાથે મોટી છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવ્યો છે. બીજી બાજુ કોમર્શિયલ માલિકો અને તેમના ભાડુઆતોએ સોસાયટીને મૌખિક રીતે એવું જણાવ્યું હતું કે, અમે લોકો સોસાયટીની લિફ્ટ, ગાર્ડન સહિતની કોઈપણ સુવિધાનો ઉપયોગ નથી કરતાં તો અમારા મેઈન્ટેનેન્સમાં 40% વધારો કેવી રીતે યોગ્ય હોઈ શકે.
નોટીસ મોકલીને મેઈન્ટેનેન્સમાં વધારાની જાણકારી અપાઈ
કોમર્શિયલ પ્રોપર્ટીના માલિકો અને તેમના ભાડુઆતોમાં એવું ચર્ચાઈ રહ્યું હતું કે, સોસાયટી દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં એક મીટિંગ કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના ફ્લેટ માલિકોને સ્ક્વેર ફૂટે બે રૂપિયા અને ભાડુઆતોને 3.50 રૂપિયા મેઈન્ટેનેન્સ રૂપે વધારે આપવા પડશે. ત્રણ મહિના બાદ ફરીવાર મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યાર બાદ કોમર્શિયલ પ્રોપર્ટીના સભ્યોને 14મી ફેબ્રુઆરી 2024ના રોજ એક નોટીસ મોકલવામાં આવી હતી. જેમાં 15મી ફેબ્રુઆરીએ મેઈન્ટેનેન્સ બાબતે ચર્ચાઓ કરવાની હોવાનું જણાવાયું હતું. ત્યાર બાદ 22મી ફેબ્રુઆરી 2024ના રોજ ફરીવાર એક નોટીસ આપવામાં આવી હતી. જેમાં મેઈન્ટેનેન્સ વધારાને લઈને જાણકારી આપવામાં આવી હતી.
ચેરમેન અને સેક્રેટરી સામે કાયદાકિય પગલાં લેવાનો વિચાર
આ નોટીસમા એવું જણાવાયું હતું કે, જાન્યુઆરી 2024થી માર્ચ 2024 સુધી કોમર્શિયલ પ્રોપર્ટીના માલિકોએ એક સ્કવેર ફૂટ પ્રમાણે ત્રણ રૂપિયા અને ભાડુઆતોએ 4.2 રૂપિયા વધૂ ચૂકવવાના રહેશે. આટલો બધો વધારો જોઈને પ્રોપર્ટી માલિકો અને તેમના ભાડુઆતો રોષે ભરાયા છે. તેમણે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને મૌખિક રજૂઆત કરી હતી કે, મેઈન્ટેનેન્સમાં આટલો વધારો યોગ્ય નથી. પરંતુ સોસાયટી તરફથી તેમાં કોઈ ફેરફાર નહીં કરાતા આખરે પ્રોપર્ટીના કેટલાક માલિકો હવે ચેરમેન અને સેક્રેટરી સામે કાયદાકિય પગલાં લેવાનું વિચારી રહ્યાં હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચોઃગાંધીનગરમાં હલ્લાબોલઃ સરકારી કર્મચારીઓની જુની પેન્શન યોજના લાગુ કરવા માંગ