શું મોબાઈલમાંથી મેસેજ વગેરે ડિલીટ કરવા એ અપરાધ ગણાય? સુપ્રીમ કોર્ટ શું કહે છે?
નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2024: શું મોબાઈલમાંથી મેસેજ વગેરે ડિલીટ કરવા એ અપરાધ ગણાય? આ પ્રશ્ન અંગે તાજેતરમાં અદાલતી લડાઈ ચાલી હતી અને હવે અદાલતે નિર્દેશ આપ્યા બાદ લોકોની આશંકાઓનું સમાધાન થયું છે. વાસ્તવમાં મોબાઈલ ફોન આજકાલ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજે દેશમાં મોબાઈલ ફોન યુઝર્સની સંખ્યા 100 કરોડથી વધુ થઈ ગઈ છે. આજકાલ, જ્યારે પણ કોઈ ગુનો બને છે, ત્યારે પોલીસ સૌથી પહેલું કામ ગુનેગારના મોબાઈલ ફોનની ચકાસણી કરે છે જેથી કોઈ પુરાવો મળી શકે. મોબાઈલ મેસેજ, કોલ હિસ્ટ્રી, વેબ હિસ્ટ્રી, ફોટા, વીડિયો, સોશિયલ મીડિયા પોસ્ટ વગેરે ગુનાને શોધી કાઢવામાં મદદ કરી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ફોનના મેસેજ, ફોટો, વીડિયો કે કોલ હિસ્ટ્રી ડિલીટ કરવામાં આવે તો શું તેને ગુનો ગણવામાં આવશે?
આ પ્રશ્ન દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. જેને પગલે દેશના કરોડો મોબાઈલ ફોન યુઝર્સની આ દુવિધા દૂર થઈ ગઈ છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું કે ફોનમાંથી મેસેજ ડિલીટ કરવો એ ગુનો નથી. આજકાલ યુઝર્સ ઝડપથી મોબાઈલ ફોન બદલી રહ્યા છે. સમયાંતરે મોબાઈલ ફોન અપગ્રેડ થવાને કારણે ફોનમાંથી મેસેજ, કોલ વગેરે ડિલીટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેને ગુનો ગણી શકાય નહીં.
મોબાઈલ યુઝર્સને રાહત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમનો ફોન ખાનગી બાબત છે. આવી સ્થિતિમાં યૂઝર્સ પ્રાઈવસીના કારણે ફોનમાંથી ઘણી વસ્તુઓ ડિલીટ કરી દે છે. તેમજ ટેક્નિકલ કારણોસર ફોનના મેસેજ કે ફોટો અને વીડિયો વગેરે પણ ડિલીટ થઈ જાય છે. યુઝર્સ વારંવાર ફોન સ્ટોરેજ ખાલી કરવા માટે આવું કરે છે, જેથી ફોન સ્લો ન થઈ જાય. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ એક સહજ માનવીય આચરણ છે, તેને અપરાધ અને પુરાવા સાથે છેડછાડની શ્રેણીમાં રાખી શકાય નહીં. જો કે, IT એક્ટ હેઠળ સોશિયલ મીડિયા માટે નિયમો બનાવવામાં આવ્યા છે, જે હેઠળ ભારતીય બંધારણની કલમો મુજબ કાર્યવાહી કરી શકાય છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે આઈટી એક્ટમાં ઘણા નવા નિયમો પણ ઉમેર્યા છે.
આમ તો ભારતમાં મોબાઈલ ફોનના ઉપયોગ અંગે કોઈ નિયમ નથી. પરંતુ જો તમે મેસેજ કે કોલ દ્વારા ધમકી આપવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તમારી સામે ભારતીય નાગરિક સંહિતા (BNS) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. એ જ પ્રમાણે જો તમે તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવા માટે કરો છો તો પણ તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય મોબાઈલ ફોન દ્વારા કોઈપણ ખાનગી માહિતી લીક કરવી અને સોશિયલ મીડિયા પર અશ્લીલ ફોટા શેર કરવાને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે.
આ પણ વાંચોઃ …તો દિલ્હી સુધી આગ લાગશેઃ મમતા બેનરજીએ આપી ખુલ્લી ધમકી!