શું હાર્દિક પટેલ છોડી રહ્યો છે કોંગ્રેસ? આવતીકાલની “સત્યમેવ જયતે” જનસભાના પોસ્ટરમાંથી ફોટો ગાયબ
ગુજરાતમાં ચૂંટણી આવ્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણીનાં ભણકારાએ ગુજરાતમાં ઉથલપાથલના દોર સાથે રાજકીય ગરમી લાવી દીધી છે અને પોતાનાં પક્ષથી નારાજ અનેક નેતાઓ પોતાનું સ્થાન કાયમ કરવામાં લાગી ગયા છે. રાજીપા અને નારાજગીનો સીલસીલો કોંગ્રેસમાં સૌથી વધુ જોવામાં આવી રહ્યો છે અને અનેક નારાજ નેતાઓ કોંગ્રેસને રામ રામ કરી બીજી પાર્ટીમાં જઇ રહ્યા હોવાની વાતો વહી રહી છે. સાપ્રાંત ઉથલપાથલમાં કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ આજકાલ કેન્દ્ર સ્થાને છે અને કેન્દ્ર સ્થાને હોવા પાછળ હાર્દિક પટેલ દ્વારા ગુજરાત કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ સામે વ્યક્ત કરવામાં આવેલી નારાજગી અને પોતાને સાઇડ લાઇન કરી અન્યાય થયો હોવાના આક્ષેપો છે. સાથે સાથે આજકાલ હાર્દિક પટેલ ભાજપનાં વખાણો પણ કરતા જોવામાં આવી રહ્યા છે.
હાર્દિક પટેલની કોંગ્રેસ સામેની નારાજગી વચ્ચે ગુજરાતના રાજકારણમાં વધુ ઉથલપાથલ સર્જી શકે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને તે એ છે કે, આવતીકાલની કોંગ્રેસની સત્યમેવ જયતે જનસભાના પોસ્ટરમાંથી હાર્દિક પટેલનો ફોટો ગાયબ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ હાલ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ છે અને આવડા મોટા રાજ્ય લેવલનાં કાર્યક્રમનાં પોસ્ટરોમાંથી જોહાર્દિક પટેલનો ફોટો ગાયબ હોય તો હાર્દિકની નારાજગીનો વિવાદ ચરમસીમાએ હોવાનું વિદિત છે. શું હાલ પોસ્ટમાંથી ગાયબ હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ગાયબ થઇ જાય છે કે. પોસ્ટરમાંથી પોતાનો ફોટો ગાયબ કરી દેનાર સ્થાનિક નેતાઓને ગાયબ કરી દે છે તે તો આવનાર સમય જ બતાવશે.