શું BZનું કથિત રૂ. 6000 કરોડનું કૌભાંડ રાજકીય ષડયંત્ર છે? સત્ય બહાર આવવું જોઈએઃ સામાજિક કાર્યકર

અમદાવાદ, 19 ફેબ્રુઆરી, 2025: છેલ્લા ઘણા વખતથી બહુ ચર્ચિત ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાંકળતા BZ કૌભાંડમાં હાલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જામીન માટે અરજી કરી રહ્યા છે અને અરજી ફગાવી દેવામાં આવે છે, એટલુ જ નહીં તેમણે રોકાણકારોના તમામ નાણાં પરત આપવાની વાત કરી હોવા છતાં તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવતા નથી કે તેમના બેન્ક એકાઉન્ટને અનફ્રીઝ કરવામાં આવતા નથી. ત્યારે આ તમામ બાબત એક ઉચ્ચ કક્ષાએ ચાલતી રાજરમત તરફ નિર્દેશ કરતી હોવાનો ખુલાસો સામાજિક કાર્યકર અતુલ દવેએ કર્યો છે.
રોકાણકારો પાસેથી ફક્ત રૂ. 422 કરોડ જ ઉઘરાવ્યા હતા
તેમણે કહ્યુ કે તપાસ એજન્સીએ નામદાર કોર્ટમાં રજૂ કરેલ હિસાબો મુજબ કંપનીએ રોકાણકારો પાસેથી કુલ રૂા. ૪૨૨ કરોડ જ ઉઘરાવેલા છે અને એમાંથી ફક્ત રૂા. ૧૭૨ કરોડ જ પરત આપવાનાં બાકી છે એટલે કે રૂા. ૨૫૦ કરોડ જેટલી રકમ તો BZ કંપની દ્વારા પરત કરી દેવામાં આવી છે પરંતુ હવે બાકીના નાણાં આપવા માટે જે તે વ્યક્તિ બહાર હોય તો જ આપી શકે? આમ જ્યારે વ્યક્તિ નાણાં આપવા તૈયાર છે તેમ છતા બહાર આવતો નથી તેની પાછળ એક મોટા રાજકીય ષડયંત્રની ગંધ આવી રહી છે. નોંધનીય કે 2024 ડિસેમ્બરમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ સૂનાવણી દરમિયાન રૂ. 6000 કરોડનો આંકડો આવ્યો ક્યાંથી તેવો વેધક સવાલ કર્યો હતો. તેની સામે સીઆઇડીએ રૂ. 307 કરોડના હિસાબો મળ્યા છે અને બાકીની તપાસ ચાલુ છે તેવો બચાવ કર્યો હતો.
નનામી અરજીનાં આધારે પોલીસે જાતે ફરિયાદી બનીને FIR કરી છે
ધડમાથા વગરની સ્ટોરીઓ ચલાવીને એમને બદનામ કરવાના પ્રયત્નો
અતુલ દવેએ બચાવ કરતા કહ્યું હતું કે આ બાબતને અમે રાજકીય પડયંત્ર એટલા માટે કહીએ છીએ કે કંપની વિરુદ્ધ રોકાણકારોને કોઇ ફરીયાદ ન હોવાં છતાં નનામી અરજીનાં આધારે પોલીસે જાતે ફરિયાદી બનીને FIR કરી છે અને તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ કાગળો મુજબ આ મામલો ફક્ત રૂા. ૧૭૨ કરોડનો હોવા છતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂા. 6000 કરોડનું કોભાંડ કર્યું છે એવી ધડમાથા વગરની સ્ટોરીઓ ચલાવીને એમને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે લોકો આને રૂા. ૬,૦૦૦નું કોભાંડ ગણાવી રહ્યા છે એમને આપના માધ્યમથી વિનંતી કરું છું કે તેઓ એમના પ્લેટફોર્મ ઉપર રૂા. ૬,૦૦૦ કરોડનો હિસાબ સાર્વજનિક કરે. સૌથી ગંભીર બાબત એ છે કે આમાં એક મહિલાનું નામ એમની સાથે જોડીને એમની સાથે એક નિર્દોષ મહિલાને પણ બદનામ કરવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેનાથી ખૂબ દુઃખ થાય છે.ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વર્ચસ્વ જોઇ સ્થાનિક રાજકારણીને પોતાનું અસ્તિત્વ જોખમમાં લાગ્યુ હતુ. તેમણે આ રાજકીય ષડયંત્ર પાછળનો ખુલાસો કરતા કહ્યુ હતુ ગત 2024ની લોકસભાની ચૂંટણી ભૂપેન્દ્રસિંહ ઝાલા લડ્યા હતા, જેમાં આશરે દોઢ લાખ જેટલી મેદની એકત્રિત થઇ હતી. તે દરમિયાન સાત જેસીબીથી ફૂલવર્ષ પણ કરવામાં આવી હતી. તેથી સાબરકાંઠાના રાજકીય વર્ચસ્વ ધરાવતા રાજકારણીઓને પોતાનું અસ્તિત્વ જોખમમાં લાગતા હાલમાં આ ષડયંત્ર રચાયુ હોવાનું મનાય છે.
HD ન્યૂઝ દ્વારા કરાયો સવાલ
સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે સૌથી ગંભીર બાબત એ છે કે અમૂક લોકોની TRO મેળવવાની લ્હાયમાં આ કંપનીમાં નાનું મોટું રોકાણ કરી એમાંથી મળતા વળતરથી જેમનું ગુજરાન ચાલતું હતું એવાં અનેક પરિવારોના ઘરના ચુલા બંધ થઈ ગયા છે. અને જરૂરિયાત મંદ લોકોને વાર તહેવારે કે સંકટના સમયે ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી મળતી મદદ અટકી ગઈ છે અને એમની સંસ્થામાં નોકરી કરતો સ્ટાફ અને અભ્યાસ કરતાં દેશના ભાવી નાગરિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. HD ન્યૂઝ દ્વારા સામાજિક કાર્યકર અતુલ દવેનો BZ કંપનીના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાનો સંબંધ શું હોઈ શકે? તેઓ સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે હું એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યો છું. મારો એમની સાથે કોઈ અંગત સંબંધ નથી.
11232 લોકોએ BZ કંપનીમાં રોકાણ કર્યું છે
અતુલ દવેએ ઉમેર્યું હતું કે પોલીસે જાતે ફરિયાદી બની FIR કરી ત્યાં સુધી અને કંપનીની ઓફિસો પણ ચાલુ જ હતી એટલે BZ કંપનીએ કોઈની સાથે છેતરપિંડી કરી છે એવું દૂર દૂર સુધી કયાય દેખાતું નથી. ગત તારીખ – ૨૭/૧૧/૨૦૨૪નાં રોજ પોલીસે જાતે ફરિયાદી બનીને FIR નોંધાવી એ દિવસ સુધી જેમણે રોકાણ કર્યું છે એમાંથી એક પણ વ્યક્તિ ફરિયાદ કરવા નથી ગયાં, છતાં BZ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ રૂા. 6000 કરોડનું કૌભાંડ કર્યું છે એવું જુઠાણું ચલાવવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ કાગળો મુજબ કુલ ૧૧૨૩૨ લોકોએ BZ કંપનીમાં રોકાણ કર્યું છે. આ રોકાણકારોમાંથી 2% રોકાણકારો પણ ફરિયાદ કરવા સામે નથી આવ્યા, જે દર્શાવે છે કે રોકાણકારોને BZ કંપની તેમજ એના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ ભરોસો છે. અને રોકાણકારોને કંપની વિરુદ્ધ કોઈ ફરિયાદ જ નથી એનો મતલબ એમ થાય કે રોકાણકારો સાથે BZ કંપની કે CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઈપણ પ્રકારની છેતરપિંડી કરી જ નથી.