શું અમદાવાદના એક ટ્રાવેલ એજન્ટ ઉપર ઘેરાઈ રહ્યો છે કાયદાનો ગાળિયો?
અમદાવાદ 6 જૂન 2024 : અમદાવાદના એક ટ્રાવેલ એજન્ટ ઉપર કાયદાનો ગાળિયો ઘેરાઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. તેનું કારણ એ માનવામાં આવે છે કે, આ ટ્રાવેલ એજન્ટ અત્યાર સુધીમાં અનેક ગ્રાહકો સાથે મોટાપાયે છેતરપિંડી કરીને મોટી રકમો ઓળવી ગયો છે એટલું જ નહીં પરંતુ તેના આ ગેરકાયદે ધંધાઓમાં કેટલીક પ્રતિષ્ઠિત હોટેલોના મેનેજરોને પણ સામેલ કર્યા છે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ ટ્રાવેલ એજન્ટ હકીકતે ટ્રાવેલ એજન્સીના નામે હવાલા પાડવાનું કામ કરે છે. તેની ટ્રાવેલ એજન્ટ તરીકેની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે કેમ કે તેનાથી છેતરાયેલા ગ્રાહકો હવે કાનૂની વિકલ્પ ચકાસી રહ્યા છે. આ ગ્રાહકોનું કહેવું છે કે, ટ્રાવેલ એજન્સીએ તેમને અમુક-તમુક હોટેલોમાં ડિસ્કાઉન્ટથી રૂમો અપાવવાનું વચન આપીને તેમની પાસેથી બુકિંગ લઈ લીધા હતા પરંતુ ગ્રાહકો હોટેલ ઉપર પહોંચે ત્યારે તેમને કંઈક જૂદો જ અનુભવ થાય છે. પરિણામે છેતરપિંડીનો ભોગ બનેલા કેટલાક ગ્રાહકોએ આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, એ ટ્રાવેલ એજન્ટે કેટલીક હોટેલોના મેનેજરો સાથે સાંઠગાંઠ કરીને ગ્રાહકોને છેતરવાનો કારસો રચી દીધો છે. અમુક ગ્રાહકોએ તો એવી પણ માહિતી આપી કે, આ ટ્રાવેલ એજન્ટ ઐયાશીમાં પણ મહિલાઓ પાછળ નાણાં ઉડાડે છે.
સૂત્રોનો એવો પણ દાવો છે કે, તેઓ આ ટ્રાવેલ એજન્સી વિરુદ્ધ કાનૂની પગલાં વિચારી રહ્યા છે એ સમયે તેમને એવું પણ જાણવા મળ્યું છે કે આવકવેરા (IT) સહિત વિવિધ એજન્સીના ધ્યાનમાં પણ આ એજન્સીનાં કરતૂતો આવ્યા છે અને ગમે ત્યારે દરોડા પડી શકે છે, જેમાં હવાલાના સોદા સહિત વિવિધ ગેરકાયદે નાણાકીય વ્યવહારોના ખુલાસા થઈ શકે તેમ છે.
આ પણ વાંચો : શાહીબાગ પાસે ચાલુ ટ્રેને સ્નેચરોએ મોબાઈલ ઝૂંટવ્યો, ફોન બચાવવા જતાં મુસાફર નીચે પડ્યો