ઈરાનને ઝટકોઃ હોર્મુઝ પર તાળા મારનાર નૌસેના પ્રમુખનું મોત, ઈઝરાયલી સેનાનો મોટો દાવો

US Israel- Iran War: અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ વચ્ચે ઇરાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે આ હુમલામાં ઇરાનના નૌકાદળના વડા અલીરેઝા તાંગસિરીનું મોત થયું છે. ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ ઇઝરાયલી અધિકારીએ 26 માર્ચ, ગુરુવારે જણાવ્યું હતું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નૌકાદળના વડા અલીરેઝા તાંગસિરીનું હોર્મુઝ સ્ટ્રેટને અડીને આવેલા બંદર અબ્બાસમાં થયેલા હુમલામાં મૃત્યુ થયું છે. આ સમાચારની ઈરાન દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.
અહેવાલ મુજબ એ વાત સ્પષ્ટ થઈ નથી કે તાંગસિરી ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા હતા કે અમેરિકન હુમલામાં. તેમના મૃત્યુને લઈને પરિસ્થિતિઓ હજુ અસ્પષ્ટ છે. અહેવાલ મુજબ ઇઝરાયલી સૈન્યએ હજુ સુધી અલીરેઝા તાંગસિરીના મૃત્યુ અંગે વધુ ટિપ્પણી કરી નથી.
અલીરેઝા તાંગસિરી ઓગસ્ટ 2018 થી IRGC નૌકાદળનું નેતૃત્વ કરી રહ્યા છે. ચાલુ સંઘર્ષ વચ્ચે અલીરેઝા તાંગસિરીએ તાજેતરના અઠવાડિયામાં વધુને વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ ઈરાનની લશ્કરી પ્રવૃત્તિઓ અંગે.
પાકિસ્તાનનું જહાજ બે દિવસ પહેલા પરત આવ્યું હતું
મંગળવારે નૌકાદળના કમાન્ડર અલીરેઝા તાંગસિરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે તેમના નૌકાદળે કાનૂની પ્રોટોકોલનું પાલન ન કરવા અને પસાર થવાની પરવાનગી ન મેળવવા બદલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી એક કન્ટેનર જહાજને પાછું વાળ્યું હતું. આ જહાજનું નામ સેલેન હતું અને તે પાકિસ્તાન તરફ જઈ રહ્યું હતું.
આ પણ વાંચોઃ રશિયાનો ભારતને ડબલ ઝટકો: ખાતરની નિકાસ પર પ્રતિબંધ અને સસ્તું તેલ આપવાનું પણ બંધ કર્યું












