પાકિસ્તાનને હરાવીને આયરલેન્ડે ઈતિહાસ રચ્યો
10 મે ડબ્લીન: આયરલેન્ડ ગઈકાલે 15 વર્ષ બાદ પાકિસ્તાન સામે કોઈ T20I રમી રહ્યું હતું. આ મેચમાં પાકિસ્તાનને હરાવીને આયરલેન્ડે ઈતિહાસ રચ્યો છે. આયરલેન્ડના એન્ડી બાલ્બરનીના 77 રનને લીધે આયરલેન્ડને આ જીત મળી હતી. આ પહેલાં આ બંને ટીમો 2009ના T20 વર્લ્ડ કપમાં સામસામે આવી હતી. આયરલેન્ડે આ રીતે પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનને હરાવ્યું છે.
પાકિસ્તાને પહેલી બેટિંગ કરતાં 20 ઓવર્સમાં 182/6 રનનો સ્કોર કર્યો હતો. પાકિસ્તાન તરફથી સાઈમ ઐયુબે 45, બાબર આઝમે 57 રન કર્યા હતા. ઐયુબના આઉટ થયાં બાદ પાકિસ્તાનની ઇનિંગ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી અને 123 રન સુધીમાં તો તેની અડધી ટીમ ડગ આઉટ ભેગી થઇ ગઈ હતી.
છેવટે ઇફ્તિખાર અહમદે 37 અને શાહીન શાહ આફ્રિદીએ ઝડપી 14 રન કરીને ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડી હતી. આયરલેન્ડ તરફથી ક્રેગ યંગે 2 વિકેટ લીધી હતી.
ટાર્ગેટનો પીછો કરતાં આયરલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પોલ સ્ટર્લીંગ અને લોર્કન ટકર સસ્તામાં આઉટ થઇ ગયા હતા. પરંતુ હેરી ટ્રેક્ટર અને બાલ્બરનીને ત્રીજી વિકેટ માટે 77 રનની પાર્ટનરશીપ કરી હતી જેના પર આયરલેન્ડના વિજયનો પાયો નખાયો હતો.
છેલ્લી 4 ઓવર્સમાં આયરલેન્ડને જીતવા માટે 40 રનની જરૂરિયાત હતી. ત્યારબાદ 17 બોલમાં 28 રન જોઈતા હતા. આવા સમયે શાદાબ ખાને બાલ્બરનીનો કેચ છોડી દીધો હતો. છેલ્લી ઓવરમાં આયરલેન્ડને જીત માટે 11 રન જોઈતા હતા ત્યારે કર્ટીસ કેમ્ફર અને ગેરેથ ડેલાની ક્રીઝ પર હતા.
અબ્બાસ આફ્રીદીના પહેલા બોલ પર કેમ્ફરે ફોર મારી હતી જ્યારે બીજો બોલ ડોટ બોલ રહ્યો હતો. ત્રીજા બોલ પર 2 રન બન્યા અને ચોથી બોલ પર કેમ્ફરે ફરીથી ચોગ્ગો મારી દીધો હતો. આમ છેલ્લા બે બોલમાં જીત માટે આયરલેન્ડને 1 રન જોઈતો હતો. પાંચમાં બોલે લેગ બાયનો એક રન લઈને કેમ્ફરે પોતાની ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.
આ રીતે પાકિસ્તાનને હરાવીને આયરલેન્ડે પોતાના ક્રિકેટ ઇતિહાસમાં એક સોનેરી અક્ષરે લખેલું પાનું જોડી દીધું હતું. આ હાર બાદ પાકિસ્તાની ટીમ અને તેના ખેલાડીઓ અને ખાસ કરીને કેપ્ટન બાબર આઝમ પર પાકિસ્તાની મીડિયા અને યુટ્યુબર્સ દ્વારા માછલાં ધોવાવાના શરુ થઇ ગયા હતા.
હાલમાં જ પાકિસ્તાન ન્યુઝીલેન્ડની C ટીમ સામે સિરીઝ જીતી શકી ન હતી અને એવામાં આયરલેન્ડ સામેની આ હાર પચાવવી એ પાકિસ્તાનીઓ માટે અઘરી છે.