ઈરાકમાં લગ્ન સમારોહ માતમમાં ફેરવાયો, આગ લાગવાથી 100થી વધુનાં મૃત્યુ તો 150 ઘવાયા
- ઈરાકમાં હચમચાવી મૂકે તેવી દુર્ઘટના બની
- લગ્ન સમારોહ દરમિયાન ભયંકર આગ લાગતાં 100થી વધુનાં મૃત્યુ
- 150 ઘવાયા, મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા
ઈરાકના ઉત્તરિય ભાગમાં હચમચાવી મૂકે તેવી દુર્ઘટના બની છે. જેમાં મંગળવારે(26 સપ્ટેમ્બરે) લગ્ન સમારોહ દરમિયાન હોલમાં અચાનક આગ લાગતાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. જેને પગલે દુલ્હા અને દુલ્હન સહિત ઓછામાં ઓછા 100 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર આગ ઈરાકના નિનેવે પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં લાગી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ તપાસ હેઠળ રહેલું છે. આગ લાગ્યાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. તો રેસ્ક્યૂ ટીમ પણ તાત્કાલિક આવી પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
કયા વિસ્તારમાં લાગી આવી ભયંકર આગ ?
વાત કરીએ તો ઈરાકના નિનેવે પ્રાંતના હમદાનિયા વિસ્તાર કે જે ઇરાકની રાજધાની બગદાદથી લગભગ 335 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. જે મોસુલ શહેરની ઠીક બહાર ખ્રિસ્તી બહુમતી ધરાવતો વિસ્તાર છે. ત્યાં લગ્ન સમારોહ દરમિયાન હોલમાં ભયંકર આગ લાગી હતી. અધિકારીનાં જણાવ્યું મુજબ, દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
100થી વધુનાં મૃત્યુ તો 150 ઘવાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
અહેવાલો અનુસાર, લગ્ન સમારોહમાં ફટાકડા ફોડ્યા બાદ મેરેજ હોલમાં આગ લાગી હતી. જેથી જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લીધે દુલ્હા-દુલ્હન સહિત 100 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 150 લોકો ઘાયલ છે. આગ લાગ્યા બાદ જ્યારે લોકો ઘટનાસ્થળેથી પસાર થઇ રહ્યા હતા તો ફક્ત કાટમાળ જ જોવા મળ્યો હતો. આ ઘટનામાં જીવ બચાવનારા લોકો પણ ઓક્સિજન માટે સ્થાનિક હોસ્પિટલે પહોંચ્યા હતા. દુર્ઘટનાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદ્રએ કહ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. વડાપ્રધાન મોહમ્મદ શિલા અલ સુદાની દ્વારા આગની તપાસના આદેશ પણ આપવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Asian Games 2023: દિકરીઓએ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ, ભારતે જીત્યો ચોથો ગોલ્ડ મેડલ