ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પની ‘ગુપ્ત’ ફાઈલો ચોરી કરીને ઈરાની હેકર્સે પ્રમુખ બાઈડનની ટીમને આપી: FBI

  • અમેરિકી પ્રમુખની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કટ્ટર મુકાબલો

વોશિંગ્ટન DC, 19 સપ્ટેમ્બર: અમેરિકી પ્રમુખની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કટ્ટર મુકાબલો ચાલી રહ્યો છે. બંને વચ્ચેની છેલ્લી અને પહેલી ડિબેટ ભલે કમલા હેરિસ જીતી ગઈ હોય, પરંતુ ટ્રમ્પે હજુ સુધી પોતાની હાર સ્વીકારી નથી. તેઓ સતત અમેરિકામાં નવી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકન ગુપ્તચર એજન્સી FBIના દાવાએ હલચલ મચાવી દીધી છે. એજન્સી અનુસાર, ઈરાની સાયબર હેકર્સએ જો બાઈડનની ટીમને ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનમાંથી “ચોરાયેલી બિન-જાહેર” ઓનલાઈન સામગ્રી મોકલી હતી.

 

US ઇન્ટેલિજન્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું હતું કે, “હેકર્સે પ્રમુખ બાઈડનની ઝુંબેશ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇમેલ્સ મોકલ્યા હતા જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પના અભિયાનમાંથી ચોરાયેલી બિન-જાહેર સામગ્રીના ભાગ હતા.” ઉલ્લેખનીય છે કે, તે સમયે બાઈડને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર હતા, પરંતુ જુલાઈમાં ખૂબ જ નાટકીય રીતે તેમણે ઉમેદવારી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને કમલા હેરિસના નામને મંજૂરી આપી હતી.

શું છે સમગ્ર બાબત?

USની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી એફબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે, જુલાઈમાં પ્રમુખ જો બાઈડનની કેમ્પેઇન ટીમ સાથે જોડાયેલા લોકોને એક અનઇચ્છનીય ઈ-મેલ મળ્યો હતો, જેમાં ઈરાની હેકર્સે ટ્રમ્પના કેમ્પેઇન સાથે સંબંધિત બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી. જો કે, બાઈડનની ટીમે તે ઈમેલનો જવાબ આપ્યો ન હતો. ઓગસ્ટમાં, એજન્સીએ હેક માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને તેહરાન પર 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ” નવેમ્બરમાં ચૂંટણીનો દિવસ નજીક આવતાંની સાથે જ વિદેશી તાકતો ચૂંટણી પ્રભાવ પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે” રશિયા, ઈરાન અને ચીન પર ખાસ કરીને એ આરોપ લગાવવવામાં આવ્યો છે કે તેઓ “કોઈને કોઈ રીતે પોતાના ફાયદા માટે અમેરિકન સમાજમાં વિભાજન વધારવાનો પ્રયાસ કરવાનો કરી રહ્યું છે.” US એજન્સીઓએ જણાવ્યું હતું કે, ઈરાની સાયબર હુમલાખોરોએ ટ્રમ્પ કેમ્પેઇનમાંથી ચોરાયેલી માહિતીને અમેરિકન મીડિયા સંસ્થાઓ સાથે શેર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, એજન્સીએ તે આઉટલેટ્સના નામ જાહેર કર્યા નથી.

આરોપો પર ઈરાન

ઈરાને ઓગસ્ટમાં આરોપોને નકારી કાઢ્યા હતા અને સંયુક્ત રાષ્ટ્રમાં તેના મિશને વોશિંગ્ટનને પુરાવા જાહેર કરવા પડકાર ફેંક્યો હતો. તે સમયે, ઈરાની મિશનએ કહ્યું હતું કે, “આવા આરોપો પાયાવિહોણા છે અને તેનો કોઈ આધાર નથી. જેમ કે અમે અગાઉ જાહેરાત કરી છે કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો ન તો ઈરાદો છે કે ન તો મકસદ.”

આ પણ જૂઓ: ચાર વર્ષ પછી અમેરિકાનો મોટો નિર્ણય, ભારતીય શેરબજારોમાં જોવા મળી શકે છે અસર

Back to top button