ઈરાનમાં હવે હિજાબ કાયદો વધુ કડક બનશે, જાણો નવા બિલમાં ક્યા ફેરફાર કરાયા
- ઈરાનમાં હિજાબ કાયદો કડક બનશે
- કસ્ટડીમાં માર્યા ગયેલા મહેસાની પુણ્યતિથિ પર નવું બિલ અમલમાં આવશે
ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી હિજાબને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આની વચ્ચે હવે ઈરાન હિજાબના કાયદાને હજી કડક કરવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. ઈરાનની સરકાર હિજાબને લઈને વધુ કડક નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે. નવા બીલમાં મોટાભાગે ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઈરાનમાં મહસા અમીની નામની મહિલાને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ મોરલ પોલીસે ધરપકડ કરી હતી. આ પછી, દેશમાં મોટા પાયે હિજાબ પ્રદર્શનો શરૂ થયા હતા. 16 સપ્ટેમ્બરે મહેસાના મૃત્યુને એક વર્ષ પૂર્ણ થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર,ઈરાનની સરકાર હિજાબને લઈને વધુ કડક નિયમો બનાવી રહી છે.નવા બિલમાં હિજાબ ન પહેરનારાઓની મહત્તમ સજા 2 મહિનાથી વધારીને 10 વર્ષ થશે. આ સિવાય હિજાબ ન પહેરતી મહિલાઓને ટ્રેક કરવા માટે AIની મદદ પણ લેવામાં આવશે. હાલમાં મહત્તમ દંડ 1,000 રૂપિયા છે, જેને વધારીને 70,000 રૂપિયા કરવામાં આવી રહ્યો છે. કાયદાનો ભંગ કરનારને તેની 3 મહિનાની કમાણી જેટલો દંડ અથવા દેશમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. હિજાબ કાયદાનો વિરોધ કરવા પર, સેલિબ્રિટીની સંપત્તિનો 10મો ભાગ દંડ તરીકે વસૂલ કરી શકાય છે. તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધની જોગવાઈ પણ હશે. નવું બિલ બોર્ડ ઓફ ગવર્નર્સને સુપરત કરવામાં આવ્યું છે અને હવે તેને સંસદમાં રજૂ કરવામાં આવશે.એવું માનવામાં આવે છે કે, તે પણ સરળતાથી પસાર થશે.સંસદમાં પસાર થયા બાદ આ બિલ 12 સભ્યોની ગાર્ડિયન કાઉન્સિલમાં જશે. આ કાઉન્સિલની જવાબદારી એ જોવાની છે કે બિલ ઇસ્લામ અને ઈરાનના બંધારણ મુજબ યોગ્ય છે. ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા પાસ થયા બાદ જ તેનો અમલ થઈ શકશે.
આ પણ વાંચો : એક ઐતિહાસિક પહેલ: વડાપ્રધાન 6 ઓગસ્ટ દેશભરમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે કરશે શિલાન્યાસ
હિજાબ હવે જરૂરી બની ગયું
ઈરાનમાં હિજાબ લાંબા સમયથી વિવાદનો મુદ્દો રહ્યો છે. 1936માં નેતા રેઝા શાહના શાસનમાં મહિલાઓ સ્વતંત્ર હતી. શાહના ઉત્તરાધિકારીઓએ પણ સ્ત્રીઓને મુક્ત રાખ્યા હતા, પરંતુ 1979ની ઇસ્લામિક ક્રાંતિએ છેલ્લા શાહને ઉથલાવી દીધા પછી, 1983માં હિજાબ ફરજિયાત બન્યો.ઈરાન પરંપરાગત રીતે તેના ઈસ્લામિક પીનલ કોડની કલમ 368ને તેના હિજાબ કાયદા તરીકે માને છે. આ મુજબ ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરનારને 10 દિવસથી બે મહિનાની જેલ અથવા 50 હજારથી 5 લાખ ઈરાની રિયાલ સુધીનો દંડ થઈ શકે છે.
મહસા અમીનીના મૃત્યુ બાદથી હિજાબનો વિરોધ કરવામાં આવી રહ્યો છે
ગયા વર્ષે મહસાના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ વિરોધી અને પછી સરકાર વિરોધી ચળવળો ચાલી રહી છે. હકીકતમાં, 16 સપ્ટેમ્બર 2022 ના રોજ, 22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. ઈરાનની મોરાલિટી પોલીસે 3 દિવસ પહેલા મહેસાને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસે તેના પર હુમલો કર્યો, જેના કારણે મહસા કોમામાં ચાલી ગઈ અને પછી તેનું મોત થઈ ગયું.
આ પણ વાંચો : પાટણ: દરેક છૂટી ગયેલી રસી અચૂકપણે અપાવો; 07થી 12 ઓગષ્ટ સુધી ચાલશે રસીકરણ કેમ્પેઈન