ઈકબાલ અંસારીએ અયોધ્યામાં રામ મંદિરના દરવાજે કંઈક એવું કર્યું કે…


અયોધ્યા, તા.27 ફેબ્રુઆરી, 2025: પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન બાદ લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા ઉમટ્યા હતા. આ દરમિયાન બાબરી મસ્જિદના પૂર્વ પક્ષકાર ઈકબાલ અંસારીએ રામ મંદિરથી બહાર નીકળવાના દ્વાર પર ભક્તો પર પુષ્પ વર્ષા કરી હતી.
ઈકબાલ અંસારીએ જયશ્રી રામના નારા લગાવતાં ભક્તોનું અભિવાદન કર્યું હતું. તેમણએ કહ્યું, સનાતન ધર્મ તમામનું ઘર છે અને અયોધ્યામાં આવતાં દરેક રામ ભક્તોનું સ્વાગત કરવું જોઈએ. ઈકબાલ અંસારીએ કહ્યું, પ્રયાગરાજમાં મહાકુંભનું સફળ આયોજન યોગી સરકારની પ્રશંસનીય પહેલ હતી. તેમણે આ ભાવના સાથે અયોધ્યામાં રામભક્તોનું સ્વાગત કર્યું હતું.
45 દિવસમાં બે કરોડ શ્રદ્ધાળુ આવ્યા
રામ મંદિરના વિરોધમાં કેસ લડનારા ઈકબાલ અંસારીનું આ પગલું સદ્ભાવ અને એકતાનું પ્રતીક છે. ગત 45 દિવસમાં અયોધ્યમાં 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મહાકુંભ બાદ પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અયોધ્યામાં એકઠા થયેલા ભક્તોએ ઇકબાલ અંસારીના સ્વાગત અને અયોધ્યામાં કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમના માટે સૌભાગ્યની વાત છે કે ઇકબાલ અંસારીએ ફૂલોનો વરસાદ કર્યો અને અયોધ્યામાં વ્યવસ્થા ખૂબ સારી હતી. ઇકબાલ અંસારીએ કહ્યું, ભક્તો અયોધ્યા આવતા રહેશે અને અયોધ્યાના લોકો હંમેશા તેમનું સ્વાગત કરવા તૈયાર છે. આ કાર્યક્રમ અયોધ્યામાં સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતાનો મજબૂત સંદેશ આપે છે.
પ્રયાગરાજમાં 45 દિવસ સુધી યોજાયેલા મહાકુંભનું મહાશિવરાત્રીના દિવસે સમાપન થયું હતું. મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. 45 દિવસમાં અહીં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી હતી. દરરોજ સવા કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવ્યા હતા. મહાકુંભમાં 70થી વધુ દેશોના 50 લાખથી વધુ ભક્તો આવ્યા હતા. અમેરિકાથી બમણી વસ્તી અને વિશ્વના 100થી વધારે દેશોની કુલ વસ્તીથી વધારે લોકો પ્રયાગરાજ આવ્યા તે જોઈને સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું હતું, જેમાં સફાઈ કર્મચારીઓ, પોલીસ, સ્થાનિક વેપારીઓ, નાગરિકોથી લઈને વિવિધ સંસ્થાના કામકાજને કારણે આ મહાકુંભ સંપન્ન થયો.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા બાદ મણિપુરમાં મળી મોટી સફળતા, જાણો વિગત