ટ્રેન્ડિંગશ્રી રામ મંદિર

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા ઈકબાલ અંસારીને મળ્યું આમંત્રણ

  • અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે પૂર્વ પક્ષકાર ઈકબાલ અંસારીને આજે આમંત્રણ પત્રિકા સોંપવામાં આવી, કહ્યું હું ખુશ છું…

અયોધ્યા, 5 જાન્યુઆરીઃ અયોધ્યા રામ જન્મભૂમિ કેસના પૂર્વ પક્ષકાર ઈકબાલ અંસારીને 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી આરએસએસના કાર્યકર્તાઓએ શુક્રવારે તેમને આમંત્રણ પત્રિકા સોંપી છે. રામ મંદિરમાં જવાના આમંત્રણ પર ઈકબાલ અન્સારીએ કહ્યું કે મને ખુશી છે કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થવા જઈ રહી છે. અયોધ્યા સદભાવની ભૂમિ છે અને હંમેશા રહેશે.

અંસારીએ કહ્યું, અયોધ્યાના લોકો ખુશ છે

ઈકબાલ અંસારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને દેશભરના મુસલમાનોએ તેનું સન્માન કર્યું. ક્યાંય કોઈ વિરોધ કે પ્રદર્શન પણ ન થયું. અયોધ્યાના લોકો ખુશ છે, હું પણ ખુશ છું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઈકબાલ અન્સારી જશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.

અયોધ્યા કરશે મહેમાનોનું સ્વાગત

આ પહેલા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસના પૂર્વ મુખ્ય પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું હતું કે અયોધ્યા નગરી સહિષ્ણુ છે અને તમામ સ્થિતિમાં મહેમાનોનું સ્વાગત કરે છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર એક લાખથી વધુ ભક્તો આ શહેરમાં આવે તેવી આશા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને વિદેશથી લગભગ 7000 મહેમાન આવશે. અહીં દરેક વ્યક્તિનું સ્વાગત કરવામાં આવશે.

પીએમ મોદીના કાફલા પર વરસાવ્યા હતા ફુલ

તાજેતરમાં જ જ્યારે 30મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અયોધ્યાના પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન ઈકબાલ અંસારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને તેમના કાફલા પર પુષ્પવર્ષા કરી હતી. આ વીડિયો વાયરલ થયો હતો અને બંને સમુદાયના લોકો આશ્વર્યચક્તિ થયા હતા. ઈકબાલ અંસારીએ કહ્યું હતું કે અયોધ્યા આવનાર દરેક વ્યક્તિ અમારા મહેમાન છે. મહેમાનોનું સ્વાગત કરવું અમારી પરંપરા છે.

આ પણ વાંચોઃ ભવ્ય રામ મંદિરના પ્રવેશદ્વારનો દિવ્ય નજારો કંઈક આવો હશે…

Back to top button