ગુજરાતટોપ ન્યૂઝ

IPS અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવાયા હોવાની વાત પાયા વિહોણી : DGP ભાટિયાનો ખુલાસો

છેલ્લા થોડા દિવસોથી રાજ્યના અમુક IPS અધિકારીઓને એક યુવતી દ્વારા હનીટ્રેપમાં ફસાવ્યા હોવાના સમાચાર અલગ-અલગ માધ્યમોમાં વહેતા થયેલ હતા. આ કથિત હનીટ્રેપના બનાવમાં ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત પોલીસ અકાદમીમાં ધોડેસવારીની તાલીમના બહાને આવેલ એક યુવતી દ્વારા રાજ્ય પોલીસના અમુક IPS અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની વાત અનેક મીડિયા માધ્યમમાં પ્રસિધ્ધ હતી. આ સમાચાર બાબતે સત્ય હકીકત બહાર લાવવા રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા આ અંગે એક વિધીવત તપાસ વિના વિલંબે શરૂ કરાવવામા આવેલ. આ તપાસ ડી.જી.પી. તાલીમના સુપરવિઝનમાં એક મહિલા એસ.પી. દ્રારા કરવામાં આવેલ. આ તપાસમાં આ સમાચાર પાયાવિહોણા હોવાનું પુરવાર થયેલ છે.

કરાઈ ખાતે આવી કોઈ યુવતીએ તાલીમ જ નથી લીધી

વધુમાં આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી પ્રસિધ્ધ થયેલ સમાચાર મુજબ આ યુવતી આઠ મહિના પહેલા કરાઇ પોલીસ એકેડમી હોર્સ રાઇડીંગની તાલીમ મેળવવા આવેલ હોવાનુ જણાવેલ છે. પરંતુ હકીકતમાં આઠ મહિના પહેલા એકેડેમી ખાતે આવી કોઇ યુવતી હોર્સ રાઇડીંગની તાલીમ મેળવવા આવેલ નથી. એકેડેમી ખાતે માત્ર પોલીસ અધિકારીઓને જ હોર્સ રાઇડીંગની તાલીમ આપવામાં આવે છે અને કોઇપણ ખાનગી વ્યકિત માટે કોઇપણ પ્રકારનો તાલીમ કોર્ષ ચલાવવામાં આવતો નથી.

ફોટામાં દેખાતી યુવતી કરાઇના કર્મચારીની પરિચિત

સોશ્યલ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ ફોટા વાળી યુવતી કરાઇ ખાતે આવેલ ગુજરાત પોલીસ અકાદમીની અશ્વશાળામાં કામ કરતો એક કર્મચારી યુવતીનો પરિચિત હોવાથી તે યુવતી માત્ર એક વખત જુલાઇ ૨૦૨૦ (આશરે અઢી વર્ષ પહેલા) માં પોતાના ભાઇ અને બહેન સાથે કરાઇ ખાતે ધોડા ઉપર રાઇડીંગ કરતો ફોટો પડાવવા માટે કરાઇ ગયેલ હતી. આ સિવાય તે ફરી કરાઇ ખાતે કયારેય ન ગયેલ હોવાનું તપાસમાં જણાઇ આવેલ છે.

યુવતી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ

આ તપાસમાં સંબંધીત યુવતીનું તથા તેના પરિવારના સભ્યોના વિગતવારના નિવેદન લેવામાં આવેલ હતા. જેમાં યુવતી દ્વારા પ્રસિધ્ધ થયેલ સમાચાર મુજબનો આવો કોઇ બનાવ બનેલ ન હોવાનું જણાવેલ હતું. આ તપાસ દરમિયાન યુવતીના મોબાઇલ ફોન અને તેના સોશ્યલ મીડિયાના અલગઅલગ એકાઉન્ટની ઊંડાણપુર્વક તપાસ કરાવતા આ યુવતી સોશ્યલ મીડીયામાં ખુબ એકટીવ હોવાનુ જણાય આવેલ છે. આ યુવતી સોશ્યલ મીડીયામાં 1000 થી વધુ પોલીસ અધિકારીઓ /કર્મચારીઓને ફોલો કરવા અને તેઓના એકાઉન્ટ વિડીયો કે પોસ્ટ, જો સારા લાગે તો પોતાના સ્ટેટસમાં અપલોડ કરવાનો શોખ ધરાવે છે.

યુવતી મધ્યપ્રદેશની નહીં પણ સ્થાનિક જ હતી

પ્રસિધ્ધ થયેલ સમાચાર મુજબ આ યુવતિ ઇન્દોર, મધ્યપ્રદેશની નહી પરંતુ ગુજરાતની સ્થાનિક છે. જેનો પરિવાર ખેતી સાથે સંકળાયેલ છે. આ યુવતી અત્યાર સુધીમાં કોઇ આઇ.પી.એસ. અધિકારીને રૂબરૂમાં ન મળેલ હોવાનું તપાસ દરમિયાન જણાય આવેલ છે. જે ફોટોગ્રાફ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ છે તેમાંથી માત્ર બે ફોટા જ કરાઇ ખાતેના જુલાઇ – ૨૦૨૦ ના છે. તે સિવાયના ફોટા અન્ય સ્થળો ઉપર યુવતીએ કરેલ હોર્સ રાઇડીંગના છે. સોશ્યલ મીડીયામાં ફરતા થયેલ ફોટોગ્રાફ પૈકી કેટલાક ફોટોગ્રાફ માઉન્ટ આબુના હોવાનુ પ્રસ્થાપિત થયેલ છે જયા તેઓ પોતાના ભાઇના બર્થડેના પ્રસંગે પરિવાર સહિત ગયેલ હતા.

ડીજીપી ભાટિયાએ સમાચારની ચકાસણી કરી પ્રસિદ્ધ કરવા અનુરોધ કર્યો

વધુમાં આ તપાસ દરમિયાન યુવતિના પરિવારના સભ્યોની સાથે આશરે ૭૫ પોલીસ કર્મચારીઓ, ખાનગી વ્યકિતઓ, પ્રેસના વ્યકિતઓ વિગેરેના નિવેદનો લેવામાં આવેલ છે તમામ નિવેદનોમાં આ સમાચાર બાબતે કોઇ તથ્ય મળી આવેલ નથી. આમ, ઉક્ત બાબતે તપાસના અંતે પ્રિન્ટ મિડિયા, સોશીયલ મિડીયા તેમજ જુદા જુદા સમાચાર પત્રોમાં પ્રકાશિત થયેલ આઇ.પી.એસ. અધિકારીઓની હનિટ્રેપના સમાચારોની વાત તપાસ દરમ્યાન તદ્દન ખોટી અને પાયવિહોણી જણાય આવેલ છે. જેથી આ તપાસ આધારે ઇન્દોરની એક યુવતીએ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ ખાતે હોર્સ રાઇડીંગની તાલીમ માટે આવેલ અને કેટલાક આઇ.પી.એસ. અધિકારીઓને હનિટ્રેપ કરેલ હોવાના પ્રસિધ્ધ થયેલ સમાચાર ખોટા હોવાથી તેને રદિયો આપવામાં આવે છે. આવા આધાર પુરાવા વિનાના સમાચારથી રાજ્યના પોલીસદળ તથા સમાજ ઉપર વિપરીત અસર થઈ શકે છે અને જેથી આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે.

Back to top button