IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL2024: સનરાઈઝર્સ હૈદરાબાદનો જંગી સ્કોર પાર કરવામાં મુંબઈ ઈન્ડિયન્સનો પનો ટૂંકો પડ્યો

  • IPLના ઇતિહાસમાં પ્રથમ વખત બંને ટીમનો મળીને કુલ સ્કોર 500 રન કરતાં વધુ થયો

હૈદરાબાદ, 27 માર્ચઃ આજે અહીં રમાયેલી TATA IPLની MI અને SRH વચ્ચેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો 31 રને વિજય થયો હતો. ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં આવેલી SRHની ટીમે 277 રનનો જંગી સ્કોર કરીને મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો પડકાર ઊભો કર્યો હતો જેને MIની ટીમ પાર કરી શકી નહોતી. નોંધપાત્ર છે કે IPLના ઇતિહાસમાં પ્રથમ વખત બંને ટીમનો મળીને કુલ સ્કોર 500 રન કરતાં વધુ થયો હતો.  મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વિકેટ ગુમાવી 246 રન કરી શકી હતી.

આજે રમાયેલી 8મી મેચમાં MI તરફથી તિલક વર્માએ સૌથી વધુ 64 રન (34 બૉલ) ફટકાર્યા હતા. ત્રીજી વિકેટની ભાગીદારીમાં તિલક વર્મા અને નમન ધીરે સૌથી મોટી ભાગીદારી નોંધાવી હતી, પરંતુ 11મી ઓવરમાં નમન ધીર આઉટ થઈ ગયા પછી MIની જીતની શક્યતાઓ ધૂંધળી થઈ ગઈ હતી.

ધીર પછી રમવા આવેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાની ટીમને ઉગારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 15મી ઓવરના પ્રારંભે તિલક વર્મા પણ આઉટ થઈ જતાં મેચનું પરિણામ લગભગ નિશ્ચિત થઈ ગયું હતું. જોકે, હાર્દિક અને ટીમ ડેવિડે સારી ફાઈટ આપી હતી અને મુંબઈ ઈન્ડિયન્સની જીતની આશા ફરી જાગી હતી, એ જ વખતે કેપ્ટન હાર્દિક 20 બૉલમાં 24 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

આ અગાઉ ટૉસ જીતીને મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે મેદાનમાં ઉતરેલી સનરાઇઝર્સ ટીમે IPL ઇતિહાસમાં હરીફ ટીમને 278 રનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે સારી શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા છે. આઈપીએલ ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. RCBએ 23 એપ્રિલ 2013ના રોજ પુણે વોરિયર્સ સામે 5 વિકેટે 263 રન બનાવ્યા હતા. ત્યારબાદ ક્રિસ ગેલે 66 બોલમાં 175 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

સનરાઇઝર્સ ટીમ માટે સૌથી પહેલા ટ્રેવિસ હેડે 18 બોલમાં આ સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. આ પછી અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડ્યો અને 16 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી. આ સિઝનમાં હેડની આ પ્રથમ મેચ છે. તેણે 24 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે 23 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ પછી, અંતમાં હેનરિચ ક્લાસને 34 બોલમાં અણનમ 80 રન અને એડન માર્કરામે 42 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને ઐતિહાસિક સ્કોર સુધી પહોંચાડી હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્ઝી અને પીયૂષ ચાવલાએ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ MI Vs SRH: હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો, હવે મુંબઈ સામે મોટો પડકાર

Back to top button