અમદાવાદમાં હાલ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વીકેન્ડ ક્રિકેટ કાર્નિવલ જોવા મળશે. અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની સેમિફાઈનલ એટલે કે ક્વોલિફાયર-2 મેચ રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે. જ્યારે રવિવારે ફાઈનલ મેચ રમાશે. 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ પૂરેપૂરું ભરાઈ જવાની શક્યતા છે. મેચનો ક્રેઝ એટલો છે કે, ક્રિકેટ રસિયાઓ 800 રૂપિયાની કિંમતની ટિકિટો બ્લેકમાં 8 હજાર રૂપિયામાં અને 1500 રૂપિયાની ટિકિટ માટે 15 હજાર રૂપિયા આપવા તૈયાર છે.
IPLની આ બે મહત્ત્વની મેચોને પગલે દિલ્હી અને મુંબઈથી આવતી ફ્લાઈટના ભાડાં પણ બમણાં થઈ ગયા છે. ફિલ્મી, રાજકીય તેમજ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ મેચ જોવા આવે તેવી શક્યતા છે. આ વર્ગ મોટેભાગે ચાર્ટર્ડ ફ્લાઈટમાં આવતો હોય છે. પરંતુ ક્રિકેટચાહકો વધુ ભાડું ખર્ચીને આવી રહ્યા છે.
ફ્લાઈટ – હોટલોના ભાડાં બમણાં થયા
મુંબઈથી અમદાવાદનું વિમાન ભાડું સામાન્ય રીતે 4થી 5 હજાર હોય છે પણ અત્યારે 10 હજાર આસપાસ બોલાઈ રહ્યું છે. દિલ્હીનું રિટર્ન ભાડું 8થી 9 હજાર સામે 15થી 16 હજારે પહોંચ્યું છે. રોયલ ચેલેન્જર્સ, રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઈટન્સની ટીમો અમદાવાદ આવી ચૂકી છે. બહારથી આવનારા દર્શકોએ હોટેલોમાં બુકિંગ કરાવ્યા છે. હોટલ ઈન્ડસ્ટ્રીનાં સૂત્રોએ કહ્યું કે, 29 તારીખે ફાઈનલ પૂર્વે રૂમની ઈન્કવાયરીમાં વધારો થયો છે અને બુકિંગ ચાર્જ પણ ડબલ થઈ ગયા છે.
ડિલક્સ અને એક્ઝિક્યુટિવ રૂમનું એક દિવસનું 7 હજાર રૂપિયા ભાડું વધીને 14થી 15 હજારે પહોંચી ગયું છે. સૌથી વધુ એડવાન્સ બુકિંગ મુંબઈ, પૂણે, દિલ્હી અને બેંગુલુરુથી થયું છે. શહેરની જાણીતી ફાઈવ સ્ટાર હોટેલો 30 મે સુધી પેક થઈ ગઈ છે. ફાઈનલ પૂર્વે 50 મિનિટનો પૂર્ણાહુતિ સમારોહ યોજાશે જેમાં એ.આર. રહેમાન, નેકા કક્કડ, રણવીર સિંહ સહિત 300 કલાકારો પરફોર્મ કરશે. BCCI, IPLના ટોચના અધિકારીઓ તેમજ કોર્પોરેટ ડેલિગેટ્સ ગાંધીનગરની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાયા છે.
એક વખત પ્રવેશ મેળવ્યા બાદ ફરીથી રિ એન્ટ્રી નહીં
મેચ શરૂ થવાના ચાર કલાક પહેલા એન્ટ્રી આપવામાં આવશે. તેમજ ટિકિટ ફાટી ગયેલી કે છેડછાડ કરેલી હશે અથવા બારકોડ નહીં ચાલે તો સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં.કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફેકેટ સાથે રાખવાનું રહેશે, જેમણે વેક્સિન લીધી હશે તેમને જ પ્રવેશ મળશે.એક વખત પ્રવેશ મેળવ્યા બાદ ફરીથી રિ એન્ટ્રી મળશે નહીં.પાણીની બોટલ, લાઈટર, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ, જ્વલનશીલ વસ્તુ, ફટાકડા, હથિયાર, હેલ્મેટ, બેગ લઈ જઈ શકાશે નહીં.બહારના ફૂડ પર પ્રતિબંધ, સ્મોકિંગ પણ કરી શકાશે નહીં. ટિકિટ અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે નહીં. મેચ રદ થાય કે મોકૂફ રહે તો જ ટિકિટના પૈસા રિફંડ મળશે. કોઈ વસ્તુ સ્ટેડિયમમાં ભૂલાઈ જશે તો તેની જવાબદારી પ્રેક્ષકની પોતાની રહેશે તેના માટે કોઈ વળતર મળવાને પાત્ર નથી.બે વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ લેવી ફરજિયાત છે.
સૌથી મોંઘી ટિકિટ 65 હજારની
સૌથી મોંઘી ટિકિટ રૂ.65 હજારની છે. 25 દર્શકોનું ગ્રુપ આ કોર્પોરેટ બોક્સમાં બેસી શકશે. અનલિમિટેડ ફૂડ, ટીવી, સોફા સહિતની સુવિધા ઉપરાંત સ્ટેડિયમમાં કાર પણ લઈ જઈ શકશે.
શો માય પાર્કિંગ એપનો ઉપયોગ પાર્કિંગ સરળ બનાવશે
ટુ-વ્હિલર માટે 8 પાર્કિંગ પ્લોટ જેમાં 12,300 વાહન પાર્ક થઈ શકશે. જ્યારે ફોર-વ્હિલર માટે 23 પાર્કિંગ પ્લોટ જેમાં 18,850 કાર પાર્ક થઈ શકશે. જો કે પાર્કિંગ સ્લોટ સ્ટેડિયમથી 300 મીટરથી માંડી 1.5 કિલોમીટર સુધી દૂર હોવાથી લોકોએ લગભગ દોઢ કિલોમીટર સુધી ચાલવું પડશે. આ વખતે શો માય પાર્કિંગ એપની મદદથી મેચ જોવા આવનારા લોકો વાહનના પાર્કિંગનું સ્થળ પણ અગાઉ નક્કી કરે શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
30 હજાર પાર્કિંગ સ્લોટ ફૂલ, મેચ જોવા દોઢ કિમી સુધી ચાલવું પડશે
IPLની બંને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઈન પાર્કિંગ બુક કરાવ્યું છે. આ ઉપરાંત મ્યુનિ. AMTSની 116 અને BRTSની 48 બસ ફાળવશે. ટુ-વ્હિલર માટે 8 અને ફોર-વ્હિલર માટે 23 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે. અત્યાર સુધીમાં ફોર-વ્હિલરના 70 ટકા અને ટુ-વ્હિલરના 40 ટકા પાર્કિંગ સ્લોટ બુક થઈ ગયા છે.
IPLની ક્વોલિફાયર-2 મેચ માટે શહેરના મોટાભાગના વિસ્તારમાંથી એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા પૂરી પાડવામાં આવશે. ખાસ કરીને AMTS અને BRTSની બસો મણીનગર, લાલ દરવાજા, કાલુપુર, ત્રાગડ, અમરાઈવાડી, નરોડા, વાસણા, વૈષ્ણોદેવી સહિતના સ્થળેથી ઉપડશે.
ટ્રાફિક વ્યવસ્થાનું પણ આ છે આયોજન
મોદી સ્ટેડિયમમાં આજે IPL-2022ની સેમીફાઈનલ છે, ત્યારે આ મેચને પગલે મોટેરા ટીથી જનપથ સુધીનો રોડ મેચ શરૂ થાય ત્યારથી મેચ પૂરી ન થાય ત્યાં સુધી રોડ બંધ રહેશે. વૈકલ્પિક રોડ તરીકે વિસત ટીથી તપોવન સર્કલ, ભાટ અને કોટેશ્વરથી અવર જવર કરી શકાશે.રોડ એક જ બંધ કરાયો છે પરંતુ સ્ટેડિયમની ચારેબાજુના રસ્તા પર ટ્રાફિકજામ થવાની શક્યતા નકારાતી નથી. ટ્રાફિક સહિત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 1780 જેટલા પોલીસ જવાનો તહેનાત કરાયા છે. આ ઉપરાંત 7 DCP, 7 ACP, 17 PI, 25 PSI અને SRPની 3 કંપની પણ ગોઠવવામાં આવી છે. આડેધડ વાહનો પાર્ક કરનારના વાહનો ટો કરવા માટે 14 જેટલી ક્રેન પણ મૂકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેડિયમની અંદર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.