મહાકુંભ મેળામાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર શખ્સની અમદાવાદ રેલવે પોલીસે ધરપકડ કરી


- મેસેજ મળતાં જ અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરુ કરી હતી
- બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની અરુણ જોશી તરીકે ઓળખ થઈ
- દેવાદાર ગ્રાહકને ખોટી રીતે ફસાવવા માટે મેસેજ મોકલ્યા હતા
મહાકુંભ મેળા અને પ્રયાગરાજ એરપોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર શખ્સની અમદાવાદ રેલવે પોલીસે ધરપકડ કરી હતી. વોટ્સએપ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજની માહિતી મળતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ બાદ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની અરુણ જોશી તરીકે ઓળખ થઈ હતી અને ગણતરીની કલાકોમાં તેને ઝડપી લેવાયો હતો. હાલ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
દેવાદાર ગ્રાહકને ખોટી રીતે ફસાવવા માટે મેસેજ મોકલ્યા હતા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીધામમાં રેશનની દુકાન ચલાવતા અરુણ જોશીએ રૂ. 85,000ના દેવાદાર ગ્રાહકને ખોટી રીતે ફસાવવા માટે મેસેજ મોકલ્યા હતા. દેવાદારને ફસાવવાના પ્રયાસમાં તેણે સત્તાવાર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) નંબર પર ભયાનક મેસેજ મોકલ્યા હતા. જેમાં “અલ્લાહુ અકબર”, “પાકિસ્તાન ઝિંદાબાદ” અને “કાફીરો કો હમ જહાનુંમ ભેજેંગે” જેવા મેસેજ સામેલ હતા.
મેસેજ મળતાં જ અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરુ કરી હતી
મેસેજ મળતાં જ અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરુ કરી હતી. મેસેજના આધારે RPF અને GRPની ટીમે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. મેસેજ મોકલનારનું લોકેશન ગાંધીધામમાં મળી આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે અમદાવાદ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ આ અંગે પુષ્ટિ કરી છે. હાલ આરોપીના કોઈ અન્ય ઉદ્દેશ્ય હતા ? તેના કોઈ સાથી સામેલ હતા કે કેમ તે નક્કી કરવા માટે વધુ પૂછપરછ ચાલી રહી છે.
રેલવે સ્ટેશનો અને એરપોર્ટ સહિત મુખ્ય સ્થળોએ સુરક્ષા વધારી દેવાઈ
કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું છે કે ખોટી આતંકવાદી ધમકીઓ આપવી એ એક ગંભીર ગુનો છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ સંભવિત ધમકીઓને રોકવા માટે રેલવે સ્ટેશનો અને એરપોર્ટ સહિત મુખ્ય સ્થળોએ સુરક્ષા વધારી દેવાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવે રો-રો ફેરીમાં દારૂની હેરાફેરી, 36 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે