IPL 2025 LSG vs DC : આશુતોષ શર્માની ધૂંઆધાર બેટીંગ, લખનૌના મોઢેથી જીત છીનવી


વિશાખાપટ્ટનમ, 24 માર્ચ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ રહી છે. વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી આ મેચમાં લખનૌની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી પરંતુ ટીમે આશુતોષ શર્માની જબરદસ્ત બેટીંગ સાથે 9 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો છે.
આ મેચમાં લખનૌની ટીમે મેચમાં ખૂબ જ સારી શરૂઆત કરી હતી. ઓપનર મિશેલ માર્શે 21 અને ત્રીજા નંબરે આવેલા નિકોલસ પૂરને 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. પુરને 30 બોલમાં 75 રન અને માર્શે 36 બોલમાં 72 રન બનાવ્યા હતા. પુરને 7 સિક્સર અને માર્શે 6 સિક્સર ફટકારી હતી. અંતે ડેવિડ મિલરે 19 બોલમાં 27 રન બનાવ્યા હતા.
એક સમયે લખનૌએ 13 ઓવરમાં 2 વિકેટે 161 રન બનાવ્યા હતા. ત્યારપછી એવું લાગતું હતું કે લખનૌની ટીમ 250થી વધુ રન બનાવી શકે છે, પરંતુ દિલ્હીના બોલરોએ શાનદાર વાપસી કરી હતી. તેણે લખનૌની ટીમને 8 વિકેટ ગુમાવીને 209ના સ્કોર સુધી રોકી દીધી હતી. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્કે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. વિપરાજ નિગમ અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી હતી.