IPL 2024 Points Table: 3 ટીમો પ્લેઓફની ખૂબ નજીક, 2ની વાર્તા લગભગ પૂરી
- આગામી દિવસોમાં IPL પ્લેઓફનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. કેટલીક ટીમ તેમાં પ્રવેશી શકે છે, જ્યારે કેટલીક ટીમ આ રેસમાંથી બહાર થતી જોવા મળી શકે છે
HD ન્યૂઝ ડેસ્ક, 23 એપ્રિલ: જેમ જેમ IPL 2024નની મેચો રમાઈ રહી છે તેમ તેમ પ્લેઓફની રેસ વધુ રસપ્રદ બની રહી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 38 મેચ રમાઈ છે, પરંતુ ન તો કોઈ ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે અને ના તો કોઈ ટીમ આ રેસમાંથી બહાર થઈ છે. પરંતુ તે ચોક્કસ છે કે જો આપણે વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો તે સ્પષ્ટ છે કે ત્રણ ટીમો પ્લેઓફમાં પહોંચવાનની ખૂબ જ નજીક છે, જ્યારે બે ટીમોની તો વાર્તા જ લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ શક્યતાઓ હજુ પણ જીવંત છે.
પ્લેઓફમાં જવા માટે 16 પોઈન્ટની જરૂર પડશે
IPL પ્લેઓફમાં જવા માટે કોઈપણ ટીમને ઓછામાં ઓછા 16 પોઈન્ટની જરૂર પડશે. એટલે કે ટીમને આઠ મેચ જીતવી જરૂરી રહેશે. મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને રાજસ્થાન રોયલ્સે આઠ મેચમાં સાતમી જીત નોંધાવી છે. તેના 14 પોઈન્ટ છે. મતલબ કે રાજસ્થાનને હવે માત્ર એક વધુ મેચ જીતવી પડશે, જ્યારે તેની 6 મેચ બાકી છે.
KKR અને SRH પણ પ્લેઓફમાં જાય તેવી શક્યતા
રાજસ્થાન રોયલ્સ ઉપરાંત કેકેઆર અને સનરાઈઝર્સ હૈદરાબાદ પણ પ્લેઓફની ખૂબ નજીક લાગે છે. બંને ટીમોએ સાત મેચ રમી છે અને તેમાંથી પાંચમાં જીત મેળવી છે. એટલે કે હાલમાં તેના 10 પોઈન્ટ છે. બંને ટીમોની હજુ 7 મેચ બાકી છે, જેમાંથી જો આ ટીમો ત્રણમાં પણ જીતી જશે તો કામ થઈ જશે. પરંતુ ચોથા નંબરે પ્લેઓફમાં પ્રવેશવા માટે ભારે લડાઈ થઈ શકે છે. કેમ કે બાકીની ત્રણ ટીમો આઠ પોઈન્ટ સાથે ચાલી રહી છે.
CSK, LSG અને GT પાસે છે આઠ પોઈન્ટ
CSK અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. ટીમ સાતમાંથી ચાર મેચ જીતી છે અને તેના આઠ પોઈન્ટ છે. LSG સાતમાંથી ચાર મેચ જીતવામાં પણ સફળ રહી છે અને તેના 8 પોઈન્ટ પણ છે. ગુજરાત ટાઇટન્સ ટીમે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને માત્ર 4માં જ જીત મેળવી છે, એટલે કે તેના પણ 8 પોઈન્ટ છે. આ ત્રણેય ટીમોના સમાન 8 પોઈન્ટ છે. ફરક માત્ર એટલો છે કે CSK અને KKRની સાત મેચ બાકી છે, જ્યારે GTની માત્ર છ મેચ બાકી છે.
મુંબઈ અને દિલ્હીને પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ આ બંને ટીમો એક જ હોડીમાં સવારી કહી રહ્યા છે. બંને ટીમોએ 8 મેચ રમી છે અને તેમાંથી માત્ર 3માં જ જીત મેળવી છે અને 6 પોઈન્ટ છે. જો કે પ્લેઓફમાં જવાની તેમની શક્યતાઓ પૂરી થઈ નથી, પરંતુ હવે પહોંચવું ઘણું મુશ્કેલ થયું છે. જ્યારે પંજાબ અને આરસીબીની હાલત તો ખૂબ જ ખરાબ છે. પંજાબે આઠમાંથી બે મેચ જીતી છે અને તેના ચાર પોઈન્ટ છે. RCBએ તો 8 માંથી માત્ર એકમાં જ જીત મેળવી છે અને તેના બે પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ માટે દરવાજા હજી ખુલ્લા છે, પરંતુ પંજાબ અને બેંગલુરુની વાર્તા લગભગ પૂરી થઈ ગઈ છે. પંજાબની ટીમ અહીંથી તેની તમામ મેચો જીતીને 16 પોઈન્ટ મેળવી શકે છે, પરંતુ જો RCB અહીંથી તમામ મેચ જીતી જાય તો પણ કુલ માત્ર 14 પોઈન્ટ્સ જ રહેશે, જે આ વખતે પ્લેઓફમાં જવા માટે પૂરતા નહીં હોય. આગામી ત્રણ-ચાર દિવસમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે, ત્યારબાદ કેટલીક ટીમ પ્લેઓફમાં પ્રવેશ કરશે તો કેટલીક બહાર પણ થઈ જશે.
આ પણ વાંચો: 17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી.ગુકેશે કેન્ડિડેટ્સ ચેસ ટૂર્નામેન્ટ જીતીને રચ્યો ઈતિહાસ