વિશાખપટ્ટનમ, 31 માર્ચ : રિષભ પંતની કપ્તાની હેઠળ, દિલ્હી કેપિટલ્સ (DC) એ જોરદાર પ્રદર્શન બતાવ્યું અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં જીતનું ખાતું ખોલ્યું છે. વિશાખાપટ્ટનમમાં રવિવારે (31 માર્ચ) રમાયેલી મેચમાં દિલ્હીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 20 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં દિલ્હીની આ પ્રથમ જીત છે. જ્યારે ચેન્નાઈની આ પહેલી હાર છે.
192 રનનો ટાર્ગેટ મળ્યો હતો CSK ને
આ મેચમાં દિલ્હીએ 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ છે. ટીમ માટે અજિંક્ય રહાણેએ સૌથી વધુ 45 રન અને ડેરેલ મિશેલે 34 રનની ઇનિંગ રમી હતી. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં પ્રથમ વખત બેટિંગ કરવા ઉતર્યો હતો, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો.
પ્રથમ વિકેટ માટે થઈ 93 રનની પાર્ટનરશીપ
દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ડેવિડ વોર્નર અને ઋષભ પંતની અડધી સદીની ઇનિંગ્સના આધારે દિલ્હી કેપિટલ્સે 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. મથિશા પથિરાનાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 145 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી હતી. આ મેચમાં પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી થઈ હતી.