ચેન્નાઈ, 22 માર્ચ : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની પ્રથમ મેચમાં સામસામે રમી રહ્યા છે. ત્યારે આ મેચમાં RCBએ CSKને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો છે. RCB તરફથી અનુજ રાવતે સૌથી વધુ 48 રન અને દિનેશ કાર્તિકે 38 રન બનાવ્યા હતા. CSK માટે મુસ્તાફિઝુર રહેમાનને ચાર સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીની શરૂઆત સારી રહી હતી અને કેપ્ટન ડુ પ્લેસીસ સાથે વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. ડુપ્લેસિસે ખૂબ જ સારી બેટિંગ કરી અને 35 રનની ઈનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. મુસ્તાફિઝુર રહેમાને એક જ ઓવરમાં ડુ પ્લેસિસ અને રજત પાટીદાર (0)ને આઉટ કર્યા હતા.
ત્યારપછી દીપક ચહરે ગ્લેન મેક્સવેલને પેવેલિયન મોકલ્યો, જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. બાદમાં, મુસ્તફિઝુરે વિરાટ કોહલી (21) અને કેમેરોન ગ્રીન (18)ને ચાલીને RCBની મુશ્કેલીઓ વધારી. અહીંથી અનુજ રાવત અને દિનેશ કાર્તિકે 95 રન જોડીને આરસીબીને 173/6 રનના સ્કોર સુધી પહોંચાડી દીધું. CSK તરફથી મુસ્તાફિઝુર રહેમાને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.